
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાત પ્રાંતની સૂચના મુજબ વિશ્વ હિન્દુ પરિષદ, ડાંગ જિલ્લા દ્વારા રવિવારે શબરી ભવન ખાતે એક વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ બેઠકનો મુખ્ય હેતુ સંગઠનને વધુ મજબૂત બનાવવો, કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધારવું અને આગામી કાર્યક્રમોનું યોગ્ય આયોજન કરવાનો હતો. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના વાલી અજયજી મિશ્રા, વિભાગ સહમંત્રી રવિભાઈ સૂર્યવંશી, ડાંગ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ ગાંગુડે અને જિલ્લા મંત્રી બ્રિજેશભાઈ ઠાકર સહિત જિલ્લા તેમજ પ્રખંડ સમિતિના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન વી.એચ.પી. દ્વારા અત્યાર સુધી થયેલા કાર્યોની સમીક્ષા કરી આગામી આયોજનો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત અગ્રણીઓએ સંગઠનના કાર્યોને પ્રખંડ અને ખંડ સ્તર સુધી અસરકારક રીતે પહોંચાડવા તથા સમાજલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.આ સાથે જિલ્લા કાર્યકારિણીના વિસ્તૃતીકરણ અંતર્ગત હરિમોહન પવાર અને ગુલાબભાઈ ચૌધરીની જિલ્લા સહમંત્રી, મિતેશભાઈ ચૌર્યાની કોષાધ્યક્ષ તેમજ રતનભાઈ ચૌધરીની જિલ્લા સત્સંગ પ્રમુખ તરીકે નવી જવાબદારી જાહેર કરાઈ હતી. ઉપસ્થિત સૌએ ૐ નાદ સાથે આ નિમણૂકોને વધાવી લીધી હતી અને અંતે એકતાપૂર્વક સંગઠનને આગળ ધપાવવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો..



