ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ આણંદ દ્વારા ૭૭મા વન મહોત્સવ નિમિત્તે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ આણંદ દ્વારા ૭૭મા વન મહોત્સવ નિમિત્તે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

તાહિર મેમણ – ​આણંદ – 25/08/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સંકલ્પ સાથે ૭૭મા વન મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી

કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર.એન.ડોડીયા, મનપાના ડેપ્યુટી મેયરશ્રી કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મયુરભાઈ સુથાર, આણંદના નાયબ વન સંરક્ષક શ્રી સુરેશ મીણાની ઉપસ્થિતિમાં એડીઆઇટી કોલેજ, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવી હતી.

 

​આ પ્રસંગે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ મા કે નામ” અભિયાનના સંકલ્પને સાકાર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક પરિવાર અને વ્યક્તિ સુધી વૃક્ષારોપણનો સંદેશ પહોંચાડવાનો છે, જેથી દરેક ઘરમાં વૃક્ષ પરિવારના સભ્યની જેમ ઉછેરી શકાય. દેશના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા તેમના સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા સંકલ્પ કર્યો છે તે કાર્યથી પ્રેરાઈને કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારને હરિયાળો બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે, મહાનગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે ૧.૨૫ લાખ નવા વૃક્ષો વાવીને પર્યાવરણને સમૃદ્ધ કરવામાં આવશે તેમ શ્રી યોગેશભાઈ પટેલે વધુમાં કહ્યું હતું.

 

કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ અને મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને આ હરિત ક્રાંતિમાં જોડાઈને ‘એક વ્યક્તિ, એક વૃક્ષ’ વાવી તેનું જતન કરવા આહ્વાન કર્યું હતું.

 

પ્રારંભમાં આણંદ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી સુરેશ મીણા એ સૌનો આવકાર કરીને વન મહોત્સવ ની ઉજવણી વિશે વિસ્તૃત વિગતો આપી હતી.

 

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગના શ્રેષ્ઠ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને વૃક્ષરથ ને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો જેના માધ્યમથી કરમસદ આણંદ મહાનગર પાલિકા વિસ્તારમાં વિવિધ છોડનું નિશુલ્ક ધોરણે વિતરણ કરવામાં આવશે. મહાનુભાવોના હસ્તે કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

પર્યાવરણની જાળવણી અને હરિયાળા આણંદના નિર્માણ હેતુસર આયોજિત આ વન મહોત્સવ પ્રસંગે મનપાના નાયબ કમિશનર શ્રી એસ.કે ગરવાલ અને શ્રી ડોડીયા, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લોકપ્રતિનિધિઓ, એડીઆઇડી કોલેજના પ્રિન્સિપાલ સહિત સ્ટાફ મિત્રો, નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!