આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓનું સન્માન કરાયું
આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓનું સન્માન કરાયું
તાહિર મેમણ – આણંદ – 22/05/2025 – આણંદ મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ પખવાડિયાના ઉજવણીના પ્રારંભના દિવસે આણંદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મીઓ તરીકે ફરજ બજાવતા અને શ્રેષ્ઠ કામગીરી કરતા પાંચ જેટલા સફાઈ કર્મીઓનું આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના હસ્તે રૂપિયા ૧૦ હજારના ચેક આપીને તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોએ ૦૨ ઈ રીક્ષાનું પણ લોકાર્પણ કર્યું હતું, આ રીક્ષાઓ દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી ઈ વેસ્ટ કલેક્શન કરવામાં આવશે.
આ પ્રસંગે આણંદના ધારાસભ્ય દ્વારા સ્વચ્છતા માટે પોતાનું યોગદાન આપતા સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, આણંદ મહાનગરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપતા સફાઈ કર્મીઓનું કાર્ય અભિનંદનીય છે.
આ પ્રસંગે પ્રશાસનના અધિકારીઓ, પદાધિકારીઓ, આણંદ મહાનગરપાલિકાના કર્મીઓ અને નગરજનો હાજર રહ્યા હતા.