આનંદદાય શનિવારની પહેલ:ભરૂચની 876 શાળાઓમાં 90 હજાર વિદ્યાર્થીઓ દફતર વગર શાળાએ પહોંચ્યા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં આવેલ 876 પ્રાથમિક શાળાઓમાં શનિવારનો દિન “આનંદદાય શનિવાર” તરીકે ઉજવાયો હતો. રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના અંદાજે 90,000થી વધુ વિદ્યાર્થીઓ દફતર વિના શાળાએ હાજર રહ્યા હતા અને વિવિધ સર્જનાત્મક તથા સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
GCERT દ્વારા શરૂ કરવામાં આવેલા “બેગ ફ્રી ડે” અને “આનંદદાય શનિવાર”ના આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં મોબાઈલ ફોનના અતિઉપયોગ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવી અને તેમની શારીરિક, માનસિક તથા સામાજિક ક્ષમતાનો વિકાસ કરવો છે.
આ દિન દરમિયાન બાળકોને રમુજી અને અનુભવાત્મક શૈક્ષણિક અભિગમ હેઠળ વિવિધ ક્ષેત્રોની મુલાકાતો, કારકિર્દી માર્ગદર્શન, રમતગમત, સંગીત, ચિત્રકામ, નાટ્યપ્રસ્તુતિઓ જેવી પ્રવૃત્તિઓમાં જોડાવા મળ્યું હતું.
આ અંગે અમે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં આવેલી નંદેલાવ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.જ્યાં બાળકોએ આજે દફતર લીધા વગર શાળાએ આવ્યા હતા તેમનામાં ખૂબ જ આનંદ જોવા રહ્યો હતો.શાળામાં બાળકોએ યોગ,રમતો સહિતની વિવિધ પ્રવૃતિઓમાં જોડાયા હતાં.આ અંગે શાળાના શિક્ષક વૈભવી મહેતાએ જણાવ્યું હતું કે,“આ કાર્યક્રમથી બાળકોનો શાળાની સાથે આત્મીય સંબંધ વધશે, શૈક્ષણિક સફર વધુ રસપ્રદ બનશે અને તેઓ પુસ્તક સિવાયના જ્ઞાન તથા પ્રેક્ટિકલ અનુભવ તરફ વધુ ઉન્મુખ બનશે.”