અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ઔદ્યોગિક એકમોમાં ચોરી કરનાર 3 આરોપીઓની કરી ધરપકડ, 7 વોન્ટેડ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી દિનેશ ઉર્ફે વસાવા પર વોચ રાખી હતી દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં યોગી એસ્ટેટમાં બે ઇસમો શંકાસ્પદ એસ.એસ.ની પાઇપ તથા પ્લેટ સગેવગે કરી રહયા છે. જે બાતમી આધારે પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જીનીયરીંગની દિવાલ પાછળ બે ઇસમો મળી આવ્યા હતા.
તેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેડ કબ્જે કર્યા હતા.આ મામલામાં ઝડપાયેલ આરોપી દિનેશ વસાવાની આકરી પૂછતાછમાં તેણે ભાવિક એન્જીનીયરીંગ કંપનીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.આરોપીઓએ ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના ભંગારીયાને વેચી દીધો હતો.પોલીસે ભંગારીયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે આ મામલામાં રવી સુરેશભાઇ મેકવાન, દિનેશ ઉર્ફે ધીરૂ મગનભાઈ વસાવા અને લલિત ભવરલાલ પટેલની ધરપકડ કરી કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં થયેલ ચોરીના મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.