BHARUCHGUJARAT

અંકલેશ્વરના કોસમડી ગામે વકફ બોર્ડની જમીન ખોટા દસ્તાવેજો બનાવી ગેરરીતિ આચરનાર મહિલા સહિત 2 લોકોની ધરપકડ


સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે વકફ બોર્ડની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી ગેરરીતિ આચરનાર મહિલા સહિત બે આરોપીની જીઆઇડીસી પોલીસે સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓલપાડના સોંસક ગામના પાદર ફળિયામાં રહેતા પ્રકાશ ભીખુ પટેલ અંકલેશ્વર તાલુકા સેવા સદનમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. તેઓની કચેરીમાં ગત તારીખ-9-2-23ના રોજ કોસમડી ગામની સીમમાં આવેલ ખાતા નંબર-378 બ્લોક સર્વે નંબર-80 વાળી મિલકત અંગેનો ભાડા પટ્ટાનો કરાર લઈને કોસમડી મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંધલા અને ભાડે લેનાર ધાર્મિક રમેશ ગોધાણી આવ્યા હતા.
જેઓએ ગુજરાત વકફ બોર્ડના પરવાનગીનો ખોટો પત્ર રજૂ કર્યો હોવાનું સબ રજીસ્ટ્રાર પ્રકાશ પટેલના ધ્યાન પર આવતા તેઓએ ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંધલા વિરુદ્ધ જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી અગાઉ છેતરપિંડી કરનાર પાંચ પૈકી ત્રણ આરોપી ટ્રસ્ટીઓ બશીર ઇસ્માઇલ પટેલ,યુશુફ મોહંમદ નાંધલા સહિત ત્રણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ દ્વારા વકફ બોર્ડના ગુનામાં સંડોવાયેલા બે લોકોની ભરૂચ સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે.
અંકલેશ્વરના કોસમડી ગામની વકફ બોર્ડની જમીનમાં ગેરીરિતી કરી હોવાનું તપાસમાં બહાર આવતા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અમરેલીના ઇકબાલ ઇસા આદમ દરૈયા અને વકફ બોર્ડના ફરજ પરથી દૂર કરેલા અફસાનાબાનું મોહંમદ રફીક બાગબાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની અગાઉ બી ડિવિઝન પોલીસ મથકમાં પણ આજ પ્રકારના ગુનામાં ધરપકડ થઈ છે.

Back to top button
error: Content is protected !!