જૂનાગઢ જિલ્લામાં જૂલાઇ માસ મેલેરિયા ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ જિલ્લામાં જૂલાઇ માસ મેલેરિયા ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવી

કેન્દ્ર સરકારશ્રી દ્વારા આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરીયા ડેન્ગ્યુ નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્ય સરકારશ્રી દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત – અભિયાન અન્વયે આ ઉદેશને સાકાર કરવા ગત વર્ષ ૨૦૧૭ થી સઘન ઝુંબેશ શરુ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એનોફીલીસ પ્રકારના ચેપી માદા મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિને રાત્રે કરડવાથી મેલેરિયા રોગ ફેલાય છે. મેલેરિયા એ પરોપજીવી જંતુથી થતો રોગ છે. ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના ખાડા-ખાબોચિયાં ભરવાથી એનોફીલીસ પ્રકારના મચ્છર પેદા થાય છે. જેમાં ખાડા ખાબોચિયાંમાં માટી, રેતી પુરાવીને પાણીનો નિકાલ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. આવી રીતે રોગથી સ્વયંભુ રીતે બચી શકાય છે. આ રીતે ગંદા પાણીમાં પેદા થતા બધા મચ્છર રોગચાળા ફેલાવતા નથી. ડેન્ગ્યુ એ (DEN-1,2,3,4 ) વાઈરસથી થતો રોગ છે. ઘરના સંગ્રહિત ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એડીસ ઈજીપ્તી પ્રકારના ચેપી માદા વાહક મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિને દિવસે કરડવાથી ફેલાય છે. જેથી મચ્છર ઉત્પતિ અટકાવા માટે ઘરમાં સંગ્રહિત કરેલ પાણીના તમામ ટાંકાઓં/પાત્રોને માત્ર હવાચુસ્ત ઢાંકવાથી તેમજ ઘરની આસપાસ/છત ઉપર ચોમાસા પહેલા કે બાદ બિન ઉપયોગી કાટમાળ નિકાલ/નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. તેમજ પર્સનલ પ્રોટેકશનમાં આખી બાંયના કપડા, મચ્છરદાનીનો દિવસે અને રાત્રે ઉપયોગ કરવો વગેરે રીતથી આ રોગથી સ્વયંભુ રીતે બચી શકાય છે. ડેન્ગ્યું અને ચિકનગુનિયા કેસ અટકાવવા માટે ડ્રાય ડે (સુકો દિવસ) જેમાં અઠવાડિયામાં એક દિવસ ઘરમાં અને ઘરની આજુબાજુમાં પાણી ભરેલા પાત્રો ખાલી કરાવવામાં આવે છે. ત્યારબાદ તે પાત્રોને સારી રીતે સાફ કરાવીને આ પાત્રો તડકામાં સુકવીને નવું તાજું પાણી ભરી હવાચુસ્ત ઢાંકાણ ઢાંકાવાથી ડેન્ગ્યુંના એડીસ મચ્છરના પોરા થતા નથી. જેથી ડેન્ગ્યું-ચીકનગુનિયાનો રોગચાળા થતો અટકાવી શકાય છે. દર વર્ષની જેમ જૂલાઈ માસ – ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેમાં આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમોથી ડેન્ગ્યુ-ચીકનગુનિયા રોગ અટકાયત અને નિયંત્રણ માટે જન સમુદાયમાં જે જન જાગૃતિ ઉભી કરવામાં આવે છે. તેમજ ડેન્ગ્યુ-ચીકનગુનિયા રોગ અટકાયતમાં લોકોનો સાથ સતત સહકાર પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો ડેન્ગ્યું વિરોધી જુન માસની ઉજવણી દરમ્યાન હાથ ધરવા આવે છે. મેલેરિયા મુક્ત અભિયાન-૨૦૩૦ અન્વયે વાહકજન્ય રોગચાળો નિયંત્રણ માટે રાજ્ય સરકારશ્રી સુચના મુજબ વર્ષ ૨૦૨૬ માં વી.બી.ડી. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ પ્રિ-મોનસુન રાઉન્ડ-૧ : તા. ૨૭/૦૪/૨૦૨૬ થી તા. ૦૬/૦૫/૨૦૨૬ અને મોનસુન રાઉન્ડ-૨ : તા. ૦૧/૦૭/૨૦૨૬ થી તા. ૧૦/૦૭/૨૦૨૬ કામગીરી રૂપે સુધી ઝુંબેશનું આયોજનમાં આરોગ્ય કર્મચારી અને આશાની ટીમ દ્વારા ગામ-૪૯૧ માં હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. હાઉસ ટુ હાઉસ સર્વેમાં ફિલ્ડ કામગીરીની વિગતમાં જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્યમાં આરોગ્ય કર્મચારીઓની ૮૪૫ સભ્યોની ટીમ દ્વારા કુલ ગામ-૪૯૧ માં કુલ ઘરો-૨,૭૫,૬૩૮ ની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરતા તાવના નમુના લેવામાં આવ્યા છે. તેમાંથી કુલ લોહીના નમુનાની સ્લાઈડ-૫૦૪૯ નું માઈક્રોસ્કોપથી પરીક્ષણ કરતા પોઝીટીવ મેલેરિયા કેસ-૦ મળેલ છે. મચ્છર ઉત્પતિ અટકાવવા માટે એબેટ દવા નાખેલ ખુલ્લા પાત્રોની સંખ્યા-૧૬,૯૩,૩૬૦, બળેલ ઓઈલ/ડીઝલ નાખેલ ખાડાની સંખ્યા-૯૩૪, પોરાભક્ષક ગપ્પી-ગમ્બુસીયા માછલી નાખેલ સ્થળની સંખ્યા-૩૯૯૫, ડ્રાય ડે (સુકો દિવસ) આયોજનમાં સોર્સ રિડકશન કરેલ પાત્રોની સંખ્યા-૧૨૨૬૯, નકામા ટાયર નિકાલ-૨૯૪૮, ઇન્ડોર ફોગીગ-૩૮૬ ઘરમાં કરેલ છે. તેમજ આરોગ્યની માહિતીસભર પત્રિકા વિતરણ, માઈક પ્રચાર, સોશિયલ મીડિયામાં જનજાગૃતિ આપતા સંદેશા, ગ્રામ આરોગ્ય સભા વગેરે માધ્યમો દ્વારા આરોગ્ય શિક્ષણ આપી જનજાગૃતિ કેળવવામાં આવી છે. વર્ષ ૨૦૨૬ અંતર્ગત રાજય સરકા૨શ્રીની સુચના અનુસાર મેલેરિયા પરીસ્થિતિ મુજબ પસંદ થયેલ સાસણના ૨૧ નેશ વિસ્તારમાં ઇન્ડોર રેસીડીયલ સ્પ્રેઈગનો ચોમાસાની ઋતુમાં પહેલા રાઉન્ડ-૧ (તા. ૧૬-૦૫-૨૦૨૬ થી તા. ૨૯-૦૫-૨૦૨૬) કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ ચોમાસાની ઋતુ બાદ રાઉન્ડ-૨ તા. ૦૧-૦૮-૨૦૨૬ થી આયોજન હોય તો એમ વર્ષમાં ૨ રાઉન્ડ સ્પ્રેઈગ કામગીરી હાથ ધરવામાં આવી છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા આવા રોગોથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/ સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવીને તાત્કાલિક સારવાર કરાવવા માટે ખાસ અનુરોધ કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્રની સાથે જૂનાગઢની તમામ જાહેર જનતાનો આ કામગીરીમાં સહયોગ મળે તે ખૂબ જરૂરી છે. તેમ જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






