ભરૂચના 40થી વધુ આદિવાસીઓની માંગ:સમાન સિવિલ કોડમાંથી મુક્તિ અને ગ્રામસભાને નિર્ણયોમાં સામેલ કરવા કલેક્ટરને આવેદન
સમીર પટેલ, ભરૂચ
દૂ-માલપોરના 40થી વધુ આદિવાસીઓએ ગુરુવારે ભરૂચ કલેક્ટરને મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આદિવાસીઓએ બે મુખ્ય માગણીઓ રજૂ કરી છે. પ્રથમ માગણીમાં ફૂલવાડી ગામની જમીન અંગેની તમામ કાર્યવાહીમાં રૂઢિ તથા પ્રથા ગ્રામસભાને સામેલ કરવાની માંગ કરી છે. આ અંતર્ગત જમીનના વેચાણ, લીઝ કે ભાડા સહિત બિન-ખેતી અંગેની કોઈપણ કાર્યવાહી પહેલાં ગ્રામસભાની મંજૂરી લેવી જરૂરી છે.
બીજી મહત્વની માગણી સમાન સિવિલ કોડ (UCC)માંથી આદિવાસી સમાજને મુક્તિ આપવાની છે. આદિવાસી પ્રતિનિધિઓએ જણાવ્યું કે, સમાન સિવિલ કોડ લાગુ થવાથી તેમની પરંપરાઓ, બોલી અને રીતિરિવાજો જોખમમાં મૂકાશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે અને તેમની ભાષા તેમજ પહેરવેશ અલગ છે.
આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે બંધારણની જોગવાઈ મુજબ આદિવાસી સમાજની રૂઢિ-પ્રથા વાળી ગ્રામસભાનું ગઠન કરવામાં આવ્યું છે. ભારતના બંધારણમાં આદિવાસીઓને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે, જેના આધારે તેઓ સમાન સિવિલ કોડમાંથી મુક્તિની માગણી કરી રહ્યા છે.