
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – કલેક્ટર મિલિન્દ બાપનાએ મોટી ઇસરોલ ગામની મુલાકાત લઈ રિસર્વે અને ભૂમિ સીમાંકન પ્રોજેક્ટની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું

અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામની મુલાકાત લઈ રિસર્વે અને ભૂમિ સીમાંકન પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું.મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ ભૂમિ સીમાંકન પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવેલી કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરીમાં ગુણવત્તા અને ચોકસાઈ જળવાઈ રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથેજ તેમણે રીસર્વે પ્રક્રિયા અંગે પણ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને રિસર્વેમાં વાંધામાં આવેલા પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.જિલ્લા કલેક્ટરએ ભૂમિ સીમાંકન કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી કામગીરી ચોકસાઈ, પારદર્શિતા અને સમયબદ્ધતા સાથે પૂર્ણ કરવા સૂચના આપી હતી. ઉપરાંત, સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને લઈ જરૂરી કામગીરી સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છેકે મહેસૂલ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના રી-સર્વે પ્રમોલગેશન બાદની વાંધા અરજીના સુચારુ, પારદર્શી તથા ત્વરિત નિકાલ માટે“ભૂમિ સીમાંકન” પ્રોજેક્ટ અસ્તિત્વમાં મૂકવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં આવેલ રી-સર્વે વાંધા અરજીઓની નિકાલની કામગીરી ઝુંબેશરૂપે ચાલુમાં છે જેમાં તમામ તાલુકાની જમીન દફતર નિરીક્ષક કચેરીના કર્મચારીઓ દ્વારા સ્થળ પર વાંધો રજૂ કરનાર ખાતેદારની જમીનની માપણી કરી, રેકર્ડમાં સુધારા બાબતની આગળની ક્રમશ: કામગીરી કરવામાં આવે છે.



