
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં લોકશાહીના પર્વમાં અનોખું દ્રશ્ય: લગ્ન પહેલા મતદાનને પ્રાધાન્ય

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન લોકશાહીના પર્વમાં એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. મેઘરજ તાલુકાના રખાપુર મતદાન મથકે વરરાજા શણગારેલી કાર સાથે પહોંચ્યા અને સૌપ્રથમ પોતાનું મતદાન કરીને જવાબદાર નાગરિક તરીકે ફરજ નિભાવી હતી.લગ્નના દિવસે પણ મતદાનને પ્રાથમિકતા આપતા વરરાજાએ “પહેલા મતદાન, પછી લગ્ન”નો સંદેશ આપ્યો હતો, જે ત્યાં હાજર મતદારો માટે પ્રેરણાસ્રોત બન્યો હતો.આ ઉપરાંત મેઘરજ નગરમાં આજે લગ્નગ્રંથીથી જોડાનાર કપલ પાર્થ સુથાર અને દિયા સુથારે પણ મતદાન મથકે પહોંચી પોતાનો મત આપ્યો હતો. લગ્નની વ્યસ્તતાઓ વચ્ચે પણ બંનેએ મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.બંનેએ અન્ય મતદારોને પણ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.જિલ્લામાં વહેલી સવારથી જ મતદાન પ્રત્યે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવી ઘટનાઓ લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.





