
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સરકારી બી.એડ. કોલેજ, મેઘરજ ખાતે ‘ વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
તા. 21 જૂન, 2026ના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે સરકારી બી.એડ. કોલેજ, મેઘરજ ખાતે પ્રાતઃકાળે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવી તેમજ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવાનો હતો.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને યોગ દિવસના મહત્વ અંગે સંક્ષિપ્ત ઉદ્બોધનથી કરવામાં આવી. ત્યારબાદ પ્રશિક્ષિત યોગ માર્ગદર્શક વસંતભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ ઉપસ્થિતોએ સૂર્યનમસ્કાર, તાડાસન, વૃક્ષાસન, ભુજંગાસન, વજ્રાસન, ત્રિકોણાસન સહિત વિવિધ યોગાસનો તેમજ અનુલોમ-વિલોમ, કપાલભાતી, ભ્રામરી જેવા પ્રાણાયામનો અભ્યાસ કર્યો

કાર્યક્રમ દરમિયાન નિયમિત યોગાભ્યાસના લાભો જેવા કે શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ, એકાગ્રતા, તણાવમુક્તિ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને યોગને દૈનિક જીવનમાં અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, અધ્યાપકમંડળ, બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા બી.એડ.ના પ્રશિક્ષણાર્થીઓ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ, ઉત્સાહપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો.અંતમાં સૌએ નિયમિત યોગાભ્યાસ દ્વારા ” સ્વાસ્થ્ય માટે યોગ” અને “Yoga For Healthy Ageing” ના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો અને કોલેજ ના આચાર્ય ડૉ. રામભાઈ ચોચા દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.





