
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા બી. કનાઈ સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

મોડાસા સ્થિત બી. કનાઈ સ્કૂલ ખાતે સંસ્થામાં છેલ્લા 20 વર્ષ દરમિયાન અભ્યાસ કરેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો બાદ એક જ મંચ પર મળેલા વિદ્યાર્થીઓએ જૂની યાદોને તાજી કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
સ્નેહમિલનને યાદગાર બનાવવા માટે સંસ્થા દ્વારા વિવિધ મનોરંજક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે વિવિધ ગેમ ઇવેન્ટ્સ યોજાઈ હતી, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદ માણ્યો હતો. ઉપરાંત ડાન્સ, હાસ્ય અને સંગીતના કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના શાળાકાળના અનુભવો વહેંચ્યા હતા અને શિક્ષકો સાથેની જૂની યાદોને ફરી જીવંત કરી હતી. આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્થાના સંચાલકો તેમજ શિક્ષકગણનો આભાર વ્યક્ત કરી, તેમના માર્ગદર્શન અને સંસ્કારના કારણે જીવનમાં મળેલી સફળતાઓને યાદ કરી હતી.સ્નેહમિલન કાર્યક્રમ મિત્રતા, લાગણી અને સંસ્થાપ્રત્યેના જોડાણનું અનોખું ઉદાહરણ બની રહ્યો હતો, જેમાં તમામ ઉપસ્થિતોએ કાર્યક્રમને યાદગાર ગણાવ્યો હતો.




