
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાના ડુંગરવાડા ગામમાં દહેશત ફેલાવનાર બે કપિરાજ પાંજરે પુરાયા, ગ્રામજનોમાં રાહત
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડુંગરવાડા ગામમાં છેલ્લા બે દિવસથી કપિરાજોના આતંકને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કપિરાજોએ ગામમાં અનેક લોકો પર હુમલો કરી બચકા ભરતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સતત હુમલાઓને કારણે લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમે ગામમાં પહોંચી કપિરાજોને પકડવાની કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ આતંક મચાવનારા બે કપિરાજોને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યા હતા. વન વિભાગની આ કામગીરી બાદ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે.જોકે, ગ્રામજનોના જણાવ્યા મુજબ હજુ પણ ગામ અને આસપાસના વિસ્તારમાં અંદાજે છ જેટલા કપિરાજો ફરી રહ્યા છે, જેના કારણે ફરી હુમલાનો ભય યથાવત્ છે. ગ્રામજનોએ વન વિભાગને બાકી રહેલા તમામ કપિરાજોને પણ ઝડપીને સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે, જેથી ગામમાં ફરીથી શાંતિ અને લોકોમાં સુરક્ષાની લાગણી સ્થાપિત થઈ શકે.વન વિભાગે પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.





