
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – 12 જૂન 2025ની ગોઝારી વિમાન દુર્ઘટના : એક વર્ષ બાદ મેઘરજના ખાનપુર ગામના સાક્ષી આર્યન અસારીની આંખે જોયેલી કહાની
ગુજરાતના અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ દેશની સૌથી કરુણ અને હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનાઓ માંથી એક દુર્ઘટના સર્જાઈ હતી.આ ગોઝારી ઘટનાને હવે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક-ઓફ થયાના માત્ર 32 સેકન્ડ બાદ એરપોર્ટ નજીક આવેલા મેઘાણીનગર વિસ્તારમાં બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ પર તૂટી પડી હતી.

આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 મુસાફરો અને જમીન પર રહેલા 19 લોકો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અરવલ્લી જિલ્લાના ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. સમગ્ર દેશને હચમચાવી દેનારી આ ઘટનાની યાદ આજે પણ લોકોના મનમાં તાજી છે.આ ઘટનાના સાક્ષી બનેલા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડાના ખાનપુર ગામના વતની અને અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા આર્યન અસારી તે સમયે પોતાના ઘરના ધાબા પર ઊભા હતા. ત્યારે તેમની નજર નજીકથી પસાર થઈ રહેલા વિમાન પર પડી હતી અને તેમણે પોતાના મોબાઈલમાં તેનો વીડિયો કેદ કર્યો હતો. દુર્ઘટના બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો

ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે આર્યન અસારી આજે પણ તે કરુણ પળોને યાદ કરીને દુઃખ વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે, આ દુર્ઘટનામાં અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવી બેઠા હતા અને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને તેવી ભગવાનને પ્રાર્થના કરે છે. આ ઘટના આજે પણ સમગ્ર દેશ માટે દુઃખદ યાદ બની રહી છે




