
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના પહાડીયા ગામે જુગારધામ પર એલસીબીનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા; ₹10,520નો મુદ્દામાલ જપ્ત
અરવલ્લી જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને મહત્વની સફળતા મળી છે. મેઘરજ પોલીસ સ્ટેશન હદના પહાડીયા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા છ આરોપીઓને ઝડપી પાડી કુલ ₹10,520નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન, જુગાર અને નશીલા પદાર્થોની હેરાફેરી સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. પી.પી. સોલંકી, પો.સ.ઈ. વી.જે. તોમર અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે પહાડીયા ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન ગંજીપાનાનો જુગાર રમતા જાવેદભાઈ અહેમદભાઈ બંગા, હબીબભાઈ ઈબ્રાહિમભાઈ બાકરોલીયા, સલીમભાઈ અહેમદભાઈ ચડી, હબિબભા દાઉદભાઈ ખેરાડા, આકાશભાઈ જશુભાઈ ફણેસા અને રાજુભાઈ ચેતનભાઈ ફણેસાને દાવ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે દાવ પરથી મળેલા ₹3,170 તેમજ આરોપીઓની ઝડતી દરમિયાન મળેલા ₹7,350 મળી કુલ ₹10,520 રોકડ અને 52 પાનાંનો ગંજીપાનો જથ્થો કબજે કર્યો હતો. સમગ્ર મુદ્દામાલ સાથે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે કેસ મેઘરજ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.આ કેસમાં મુસ્તુફાભાઈ ગફુરભાઈ મોડાસીયા (રહે. ઘાંચીવાડા, મેઘરજ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



