
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – રેલ્લાવાડા અને કુણોલ પીએસસી આરોગ્ય કેન્દ્રો સમય પહેલાં બંધ હોવાના વીડિયો વાયરલ – ગુલ્લી મારતા અધિકારીઓ અને કર્મચારીઓ

અરવલ્લી, મેઘરજ : મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી રેલ્લાવાડા અને કુણોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. બંને આરોગ્ય કેન્દ્રો નિર્ધારિત સમય પહેલાં જ બંધ હાલતમાં જોવા મળતા તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
મળતી માહિતી મુજબ આરોગ્ય કેન્દ્રોનો સમય સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધીનો છે. જોકે સાંજના સમયે ફરજનો સમય પૂર્ણ થાય તે પહેલાં જ બંને કેન્દ્રો પર તાળા લાગેલા જોવા મળ્યા હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓ ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ નિયમિત સમય પહેલાં જ કેન્દ્રો બંધ કરી દેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ રહી છે. ખાસ કરીને ઇમરજન્સી અથવા સાંજના સમયે સારવાર માટે આવતા દર્દીઓ માટે આ સ્થિતિ ચિંતાજનક બની રહી છે.બીજી તરફ વાયરલ થયેલા વીડિયોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે નહીં અને જો સમય પહેલાં આરોગ્ય કેન્દ્રો બંધ કરવાના આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.લોકોમાં માંગ ઉઠી છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિર્ધારિત સમય મુજબ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહે અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા કડક દેખરેખ રાખવામાં આવે.





