
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની મુશ્કેલી વધી, પક્ષાંતર કેસમાં ફરી 5 મી ઓગસ્ટે ગાંધીનગર હાજર થવાનો આદેશ – પહેલી મુદત પૂરી
મેઘરજ તાલુકા પંચાયતના બે સભ્યો સામે ગુજરાત પક્ષાંતર ધારા–1986 હેઠળ ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી શરૂ થઈ છે. આ મામલે ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારીની કચેરી, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. તેની પ્રથમ સુનાવણી 22 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાઈ હતી.
મળતી માહિતી મુજબ, મેઘરજ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય જયંતિલાલ વાલજીભાઈ અસારી અને ઉમેશકુમાર મોહનભાઈ અસારી દ્વારા તા. 6 જુલાઈ, 2026ના રોજ વિવાદ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઈ નાનજીભાઈ ખોટ અને અરવિંદભાઈ અમરાભાઈ ખરાડીને ગુજરાત પક્ષાંતર ધારા–1986ની કલમ-3 હેઠળ સભ્યપદ માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારી દિલીપ રાવલ સમક્ષ 22 જુલાઈના રોજ ગાંધીનગર સ્થિત ડૉ. જીવરાજ મહેતા ભવન ખાતે સુનાવણી યોજાઈ હતી. બંને પક્ષો પોતાના વકીલો અને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન બંને પક્ષના વકીલોએ પોતાની દલીલો રજૂ કરી હતી.
સામેવાળા પક્ષના વકીલે જરૂરી પુરાવા એકત્ર કરવા માટે 30 દિવસની મુદત માંગતા અરજદાર પક્ષના વકીલે તેનો વિરોધ કર્યો હતો. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નામોદિષ્ટ અધિકારીએ સામેવાળા પક્ષને 15 દિવસની મુદત આપી છે. હવે આ કેસની આગામી સુનાવણી 5 ઓગસ્ટ, 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાશે.હવે આગામી સુનાવણીમાં પક્ષાંતર ધારા હેઠળ શું નિર્ણય લેવાય છે તેના પર મેઘરજ સહિત સમગ્ર અરવલ્લી જિલ્લાના રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે.





