
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – વાવાઝોડા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સાઠંબામાં સૌથી વધુ 70 મીમી વરસાદ, મકાન છત અને દીવાલ ધરાશાય થતા મોતી દુર્ઘટના ટળી

હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં ગત મોડી રાત્રે ભારે પવન, ગાજવીજ અને વાવાઝોડા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. મેઘરજ, મોડાસા, માલપુર, ટીંટોઈ, બાયડ, ધનસુરા, શામળાજી, સાઠંબા અને ભિલોડા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. જોકે લાંબા સમયથી અનુભવાઈ રહેલી ગરમી અને ઉકળાટમાંથી લોકોને મોટી રાહત મળી હતી.
મેઘરજ તાલુકાના જીતપુર ગામે વાવાઝોડાની અસરથી એક મકાનની છત અને દીવાલ ધરાશાય થઈ હતી. સદનસીબે દીવાલ પડતા પહેલાં પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. ભારે પવનના કારણે જિલ્લાના અનેક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હોવાનું જાણવા મળ્યું છે.
માલપુર તાલુકામાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય રાજમાર્ગો પર પાણી ભરાઈ જતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે મેઘરજના વાસણા, પહાડીયા, બેડઝ, રેલ્લાવાડા, જીતપુર અને ઈસરી પંથકમાં પણ ભારે પવન સાથે સારો વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી.
હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. આગાહીને પગલે તંત્ર પણ સતર્ક બન્યું છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા મુજબ સાઠંબામાં સૌથી વધુ 70 મીમી વરસાદ નોંધાયો હતો. મોડાસામાં 50 મીમી, બાયડમાં 44 મીમી, ભિલોડામાં 24 મીમી, ધનસુરામાં 22 મીમી, મેઘરજમાં 20 મીમી, માલપુરમાં 17 મીમી અને શામળાજીમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.વરસાદની શરૂઆતથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આગામી દિવસોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા વચ્ચે જિલ્લા વાસીઓમાં ચોમાસાની પૂર્વ ઝલકનો અનુભવ થયો છે.



