ARAVALLIMODASA

અરવલ્લી : શિક્ષકોની રામધૂન, TET પરીક્ષા નાબૂદ કરવા ધરણા સાથે કલેક્ટરને આવેદનપત્ર

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

 

અરવલ્લી : શિક્ષકોની રામધૂન, TET પરીક્ષા નાબૂદ કરવા ધરણા સાથે કલેક્ટરને આવેદનપત્ર

 

ગુજરાતમાં શિક્ષકોની બદલી અને પરીક્ષાઓને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે હવે અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોએ સરકાર સામે બાવડા ચડાવ્યા છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત આંદોલનના ભાગરૂપે બુધવારે અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી સામે મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો ધરણા પર બેસી ગયા હતા. શિક્ષકો દ્વારા TET પરીક્ષા નાબૂદ કરવાની મુખ્ય માગ સાથે આ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા પંચાયત સામે શિક્ષકોએ બોલાવી રામધૂન

ધરણા કાર્યક્રમ દરમિયાન શિક્ષકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા શિક્ષકોએ જિલ્લા પંચાયત કચેરીની બહાર જ જમીન પર બેસીને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધના ભાગરૂપે ‘રામધૂન’ બોલાવી પ્રશાસનનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ આંદોલનને પગલે જિલ્લા પંચાયત પરિસરમાં શૈક્ષણિક આલમનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.

 

5500 શિક્ષકોની સહી સાથે કલેક્ટરને આવેદનપત્ર

આંદોલનકારી શિક્ષકોના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, TET પરીક્ષાના હાલના નિયમો પ્રાથમિક શિક્ષકો માટે અન્યાયકર્તા છે અને તેને તાત્કાલિક અસરથી નાબૂદ કરવી જોઈએ. આ માંગણી સબબ જિલ્લાના આશરે 5500 જેટલા પ્રાથમિક શિક્ષકોના સમર્થન સાથેનું એક વિસ્તૃત આવેદનપત્ર અરવલ્લી જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ ચીમકી આપી છે કે, જો સરકાર આ પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

INBOX : સાંજે ઓધારી મંદિરે યોજાશે ભજન સંધ્યા

દિવસભરના ધરણા અને આવેદનપત્રના કાર્યક્રમ બાદ, શિક્ષક સંઘ દ્વારા આ વિરોધ પ્રદર્શનને અહિંસક અને આધ્યાત્મિક વળાંક આપવાનું પણ નક્કી કરાયું છે. આ આંદોલનના ભાગરૂપે જ બુધવારની મોડી સાંજે સ્થાનિક ઓધારી માતાજીના મંદિરે એક ભવ્ય ‘ભજન સંધ્યા’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાભરના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની એકતા પ્રદર્શિત કરશે.

Back to top button
error: Content is protected !!