ARAVALLIMODASA

શામળાજી – કિડનીનો રોગ મટાડવાની વિધિના બહાને 3 ઠગોએ ₹ 2.06 લાખની ઠગાઈ કરી, શામળાજીમાં ત્રણ ઠગોના કારસ્તાનાનો પર્દાફાશ, આરોપીઓ LCB એ ઝડપ્યા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – કિડનીનો રોગ મટાડવાની વિધિના બહાને 3 ઠગોએ ₹ 2.06 લાખની ઠગાઈ કરી, શામળાજીમાં ત્રણ ઠગોના કારસ્તાનાનો પર્દાફાશ, આરોપીઓ LCB એ ઝડપ્યા

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે કિડનીની ગંભીર બીમારી દૂર કરવાની વિધિ કરાવવાના બહાને એક પરિવાર સાથે ₹2.06 લાખની છેતરપિંડી થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પીડિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં એલસીબી અરવલ્લીએ ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી સમગ્ર કૌભાંડનો ભાંડો ફોડ્યો છે.

ફરિયાદ મુજબ, હિંમતનગર તાલુકાના ઇલોલ ગામના વિશાલભાઈ રાઠોડ છેલ્લા બે વર્ષથી બંને કિડની ફેઇલ થવાને કારણે ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા છે. થોડા દિવસો અગાઉ ત્રણ અજાણ્યા શખ્સો વિશાલભાઈના સાસરિયા ગામે પહોંચ્યા હતા. તેમણે વિશાલભાઈને રૂદ્રાક્ષ આપીને તેમની બીમારી દેવદોષના કારણે હોવાનું જણાવ્યું હતું અને વિશેષ વિધિ કરાવવાથી રોગ દૂર થઈ જશે તેવી વાતો કરીને વિશ્વાસમાં લીધા હતા.

આરોપીઓના કહેવા મુજબ તા. 23 જૂનના રોજ વિશાલભાઈ, તેમની માતા અલ્પાબેન અને પત્ની આરતીબેન શામળાજી પહોંચ્યા હતા. ત્યાં ત્રણેય શખ્સો તેમને મળ્યા અને ડુંગરની બાજુમાં આવેલા રામ-સીતા ચોળીના મંદિર સુધી લઈ ગયા હતા. મંદિરમાં વિધિ શરૂ કર્યા બાદ આરોપીઓએ દેવને પ્રસન્ન કરવા માટે તમામ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ વિધિમાં મુકવી જરૂરી હોવાનું જણાવી પરિવારને વિશ્વાસમાં લીધો હતો.

વિશ્વાસમાં આવી પરિવારજનોએ સોનાની બુટ્ટી, સોનાની નથ, ચાંદીના કોબીયા તેમજ ₹ 20 હજાર રોકડા સહિત કુલ ₹ 2.06 લાખનો મુદ્દામાલ આરોપીઓને સોંપી દીધો હતો. ત્યારબાદ આરોપીઓએ બીજા મંદિરે વિધિ પૂર્ણ કરીને ત્રણ કલાકમાં પરત આવવાની વાત કહી સ્થળ પરથી નીકળી ગયા હતા. લાંબા સમય સુધી રાહ જોવાં છતાં આરોપીઓ પરત ન ફરતા પરિવારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી.

બનાવ અંગે શામળાજી પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ એલસીબી અરવલ્લીએ ઝડપી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ચોરી ગયેલા દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઘટનાએ અંધશ્રદ્ધાના નામે લોકોને ભોગ બનાવતા ઠગોથી સાવચેત રહેવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે.

Back to top button
error: Content is protected !!