ARAVALLIMODASA

શામળાજીમાં વનકર્મીના ભાડાના મકાનમાં દિનદહાડે  તસ્કરી, ₹ 3.49 લાખના સોનાના દાગીના ચોરાયા – શામળાજી પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજીમાં વનકર્મીના ભાડાના મકાનમાં દિનદહાડે  તસ્કરી, ₹ 3.49 લાખના સોનાના દાગીના ચોરાયા – શામળાજી પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે દિવસદહાડે તસ્કરીની ઘટના સામે આવી છે. વન વિભાગમાં ફરજ બજાવતી મહિલા વનરક્ષકના ભાડાના મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો અંદર ઘૂસી ગયા હતા અને તિજોરીમાંથી અંદાજે ₹ 3.49 લાખના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાઈ પોલીસે તપાસ શરૂ કરી છે.ફરિયાદ મુજબ, નયનાબેન રાકેશભાઈ તરાલ મૂળ મેઘરજ તાલુકાના ગોરવાડા ગામના રહેવાસી છે અને હાલમાં શામળાજીના બહેચરપુરા કોલોનીમાં ભાડાના મકાનમાં રહે છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી શામળાજી ચેકિંગ નાકા ખાતે વનરક્ષક તરીકે ફરજ બજાવે છે.તા. 21 જુલાઈ, 2026ના રોજ સવારે તેઓ પોતાના બંને બાળકોને શાળાએ મૂકી ફરજ પર દેવની મોરી નર્સરી ખાતે ગયા હતા. બપોરે જમવા માટે ઘરે પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું. ઘરમાં પ્રવેશ કરતાં સામાન વેરવિખેર હાલતમાં હતો અને તિજોરી પણ ખુલ્લી મળી આવી હતી.તિજોરીમાં રાખેલા સોનાના દાગીનાની તપાસ કરતાં આશરે સાડા ચાર તોલાનું મંગળસૂત્ર, આશરે સાડા ત્રણ ગ્રામની એક સોનાની બુટી, આશરે બે ગ્રામની સોનાની વીંટી અને આશરે દોઢ તોલાની સોનાની ચેઇન મળી આવી નહોતી. ચોરાયેલા દાગીનાની કુલ કિંમત અંદાજે ₹ 3,49,360 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.દાગીનાના બિલ મળી આવ્યા બાદ નયનાબેને શામળાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, તકનીકી પુરાવા અને અન્ય આધારોના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!