ARAVALLIMODASA

અરવલ્લી – વૃદ્ધ માતાની ઉપેક્ષા કરનાર ત્રણ પુત્રોને કોર્ટનો કડક હુકમ, દર મહિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – વૃદ્ધ માતાની ઉપેક્ષા કરનાર ત્રણ પુત્રોને કોર્ટનો કડક હુકમ, દર મહિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ

મોડાસામાં માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે, જેમાં પોતાની જન્મદાતા માતાને વૃદ્ધાવસ્થામાં નિરાધાર છોડી દેનારા ત્રણ પુત્રો સામે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. માતાના હક અને ગૌરવની રક્ષા માટે નાયબ કલેક્ટર ડૉ. વી.બી. પટેલ દ્વારા ત્રણેય પુત્રોને દર મહિને ભરણપોષણ ચૂકવવાનો મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે.
મોડાસાની ઇકબાલ સોસાયટીમાં રહેતી વિધવા અને સિનિયર સિટિઝન રહીમાબેન ગુલામહુસેન નોરીએ પોતાના ત્રણ પુત્રો—ઉસ્માનગની, મો. રફીક અને અલતાફ સામે ‘માતા-પિતા અને સિનિયર સિટિઝન ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ-2007’ હેઠળ અરજી દાખલ કરી હતી.
અરજીમાં માતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં તેમની બીમારી કે રોજિંદી જરૂરિયાતોની કોઈ કાળજી લેતા નથી. વધુમાં, પિતાની મિલકત પોતાના નામે કરવા માટે દબાણ કરી વારંવાર ઝઘડા કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.અરજદાર તરફથી એડવોકેટ સરફરાઝ એ. ટીંટોઇયાએ દલીલ કરી હતી કે માતાની ઉપેક્ષા કરવી નૈતિક તેમજ કાનૂની ગુનો છે. હાલમાં માતા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડાય છે અને તેમની પાસે કોઈ આવકનું સાધન નથી, જેથી પુત્રો પર તેમની સંભાળ રાખવાની ફરજ બને છે.બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે નોંધ્યું કે માતાની અવગણના ગંભીર બાબત છે. માનવતાવાદી અભિગમ સાથે કોર્ટે ત્રણેય પુત્રોને મળીને દર મહિને કુલ રૂ. 7,500 (દરેકે રૂ. 2,500) માતાને ભરણપોષણ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ દર મહિનાની 1થી 5 તારીખ વચ્ચે ચૂકવવાની રહેશે.આ ચુકાદો સમાજમાં એક મજબૂત સંદેશ આપે છે કે માતા-પિતાની અવગણના સહન કરવામાં આવશે નહીં અને કાયદો આવા કેસોમાં કડક કાર્યવાહી કરશે.

Back to top button
error: Content is protected !!