દાહોદ ભગીની સમાજ ખાતે સખી મંડળની બહેનોને ટીબી અને HIV અંગે આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો

તા.૧૭.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ભગીની સમાજ ખાતે સખી મંડળની બહેનોને ટીબી અને HIV અંગે આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લામાં આવેલ ભગીની સમાજ ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી મંડળની બહેનો માટે વિશેષ આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો અને સંક્રમિત રોગોથી બચાવ અંગે માર્ગદર્શન આપવાનો હતો.કાર્યક્રમ દરમિયાન “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ટીબી (ક્ષયરોગ) વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ટીબીના લક્ષણો, નિદાન, મફત સારવારની સુવિધાઓ, દવાઓનો નિયમિત કોર્સ પૂર્ણ કરવાની જરૂરિયાત તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય યોજનાઓ વિશે સમજ આપવામાં આવી. ઉપસ્થિત બહેનોને સમયસર તપાસ અને સારવાર દ્વારા ટીબી સંપૂર્ણપણે સાજી થઈ શકે છે તે અંગે વિશ્વાસ આપવામાં આવ્યો.ઉપરાંત, એચ.આઈ.વી./એઈડ્સ અંગે જાગૃતિ લાવવા માટે તેના સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો, નિઃશુલ્ક ચકાસણી અને સારવારની માહિતી આપવામાં આવી. સાથે સાથે લેપ્રસી (કુષ્ઠરોગ) હિપેટાઇટિસ, સિકલ સેલ એનિમિયા જેવી બીમારીઓ અંગે પણ પ્રાથમિક લક્ષણો, સમયસર નિદાન અને સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.આરોગ્ય વિભાગ દ્વારા તમામ બહેનોને નિયમિત આરોગ્ય તપાસ, પોષણયુક્ત આહાર અને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવામાં આવી.આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને ઉપસ્થિત બહેનો દ્વારા આરોગ્ય વિભાગના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.





