GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ: ગ્રામજનો માટે આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું પણ આયોજન કરાયુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડના સેગવી ગામના સરકારી હોમીયોપેથી દવાખાના દ્વારા અંબામાતા મંદિર, મંદિર ફળિયા ખાતે યોગ શિબિર યોજાઈ હતી. આ સાથે આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અંબામાતા મંદિર, મંદિર ફળિયું, સેગવી ખાતે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી નિમિત્તે ૧૦૦ દિવસ અંતર્ગત “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ ટ્રેનર દ્વારા મુખ્યત્વે “અષ્ટાંગ યોગ” વિશે તેમજ મધુમેહ, ઉચ્ચ રક્તચાપ, સ્થલ્ય, સાંધાની તકલીફ માટે જરૂરી આસનો વિશે માહિતી આપવામાં આવી હતી.

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનનો ઉદ્દેશ્ય મેદસ્વિતાના કારણે શરીરમાં અનેક પ્રકારના જીવનશૈલીને લગતા રોગ જેવા કે, મધુમેહ, ઉચ્ચ રક્તચાપ, કોલેસ્ટ્રોલ, સ્ત્રીઓમાં થાઇરોઇડના રોગો, PCOS/PCOD, વંધ્યત્વ, પેટને લગતા રોગો, ફેટી લીવર વગેરે જેવા રોગો થવાની અધિક સંભાવના રહે છે માટે સમાજના લોકો યોગ તરફ વળે અને મેદસ્વિતા મુક્ત થાય તે માટે જરૂરી યોગ અપનાવે. મેદસ્વિતા ઘટાડવા માટે વૃક્ષાસન, તાડાસન, ત્રિકોણાસન, પશ્ચિમોત્તાનાસન, સર્વાંગાસન, પ્રાણાયામ તેમજ યોગ્ય આહાર વિહાર અપનાવી શકાય છે.

ઉચ્ચરક્તચાપમાં ચંદ્રનાડી પ્રાણાયામ નિયમિત કરવાથી ફાયદો થાય છે. તેમજ મધુમેહમાં મંડુકાસન, ભુજંગાસન, અર્ધ કટી ચક્રાસન, અર્ધ મત્સેન્દ્રાસન, નાડી શુદ્ધિ પ્રાણાયામ કરવાથી ફાયદો થાય છે. આયુર્વેદ અને

હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પમાં આયુર્વેદ સારવાર માટે મેડિકલ ઑફિસર કોસંબા અને મેડિકલ ઓફિસર ફલધરા દ્વારા સેવા આપવામાં આવી હતી. હોમીયોપેથી સારવાર માટે મેડિકલ ઑફિસર સેગવી અને મેડિકલ ઓફિસર ડુંગરી તરફથી સેવા આપવામાં આવી હતી. આંગણવાડી બહેનો અને ગુજરાતી પ્રાથમિક શાળા સેગવીએ સહકાર આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!