
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – સાઠંબા ડબલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામેલો પેરોલ જમ્પ આરોપી જુનાગઢથી ઝડપાયો
અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે સાઠંબા પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા પામેલા અને વચગાળાના જામીન બાદ ફરાર થયેલા આરોપીને જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રામપરા ગામેથી ઝડપી પાડ્યો છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી-મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાની સૂચનાના પગલે પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા નાસતા ફરતા આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી

દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સુરેશભાઈ રાઘવભાઈ મેર (કોળી ઠાકોર), રહે. મેવાસા, તા. વિસાવદર, જી. જુનાગઢ, સાઠંબા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 279/2021માં પેરોલ જમ્પ બાદ ફરાર છે અને હાલ રામપરા વિસ્તારમાં રહે છે.બાતમીના આધારે ટીમે રામપરા ખાતે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે વર્ષ 2021માં એક મહિલા સાથે તેના પ્રેમસંબંધ હતા. મહિલા તેના બાળક સાથે સાઠંબા ખાતે આરોપીના સંબંધીના ઘરે આવી હતી. મહિલાના દાગીના અને પૈસા જોઈ આરોપી તથા તેના મિત્રની દાનત બગડતાં બંનેને રિક્ષામાં બેસાડી સાઠંબા નજીક ખારી ગામ પાસે તળાવના કિનારે લઈ જઈ ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસએ જણાવ્યું છે.
આ ડબલ મર્ડર કેસમાં આરોપી તથા તેના મિત્રને આજીવન કારાવાસની સજા થઈ હતી. આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાંથી તા. 13 માર્ચ 2025થી 23 માર્ચ 2025 સુધી 10 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જોકે, તા. 24 માર્ચ 2025ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલમાં પરત હાજર થવાનું હોવા છતાં તે હાજર થયો નહોતો અને ત્યારથી ફરાર હતો.અરવલ્લી પેરોલ ફર્લો સ્કવોડે તા. 2 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 2:30 વાગ્યે આરોપીને ઝડપી પાડી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી:
સુરેશભાઈ રાઘવભાઈ મેર (કોળી ઠાકોર) રહે. મેવાસા, કમરીબાઈના પોસ્ટ, વીરપુર, જી. જુનાગઢ
પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડવામાં અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળી છે.




