સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘બાયોફર્ટીલાઈઝર પ્રોડક્શન યુનિટ’નું ઉદ્ઘાટન કરાયું

18 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની નવી પહેલ: જમીનની ફળદ્રુપતા વધારવા પ્રવાહી બાયોફર્ટીલાઈઝર યુનિટનું લોન્ચિંગ થતા રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટશે.સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની બેઝિક સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ મહાવિદ્યાલયના માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે ‘બાયોફર્ટીલાઈઝર પ્રોડક્શન યુનિટ’નું કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીના વરદ હસ્તે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ગરિમામય પ્રસંગે મહાવિદ્યાલયના આચાર્ય અને સંશોધન નિયામક ડૉ. એચ. એસ. ભદૌરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. એસ. પટેલ, કુલસચિવ ડૉ. પી. ટી. પટેલ, હિસાબ નિયામક ડૉ. એસ. કે. શાહ, કાર્યપાલક ઈજનેર ડૉ. આલોક ગોરા તેમજ અન્ય મહાવિદ્યાલયોના આચાર્યશ્રીઓ અને વિવિધ સંશોધન કેન્દ્રોના વડાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. આબિદઅલી ભગતે ઉપસ્થિત મહાનુભાવોને બાયોફર્ટીલાઈઝરના ઉત્પાદનના વિવિધ તબક્કાઓ તેમજ તેના વપરાશની વૈજ્ઞાનિક પદ્ધતિઓથી વિગતવાર વાકેફ કર્યા હતા. આ અવસરે સંબોધન કરતા માનનીય કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીએ આશા વ્યક્ત કરી હતી કે, યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત પ્રવાહી બાયોફર્ટીલાઈઝરના ઉપયોગથી વિવિધ સંશોધન કેન્દ્રો અને ખેડૂતોની રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટશે, ઉત્પાદન ખર્ચ ઓછો થશે અને જમીનની ફળદ્રુપતામાં લાંબા ગાળે નોંધપાત્ર વધારો થશે.યુનિવર્સિટીના આ સરાહનીય પ્રયાસને બિરદાવતા માનનીય કુલપતિશ્રી તેમજ અન્ય સર્વે ઉચ્ચ અધિકારીશ્રીઓએ માઇક્રોબાયોલોજી વિભાગની અધ્યાપક ટીમ—ડૉ. આબિદઅલી ભગત, ડૉ. યોગેશ પટેલ અને ડૉ. મૃગેશ પટેલને આ પ્રોડક્શન યુનિટને સફળતાપૂર્વક કાર્યરત કરવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આ યુનિટ આગામી સમયમાં ટકાઉ ખેતી (Sustainable Farming) ક્ષેત્રે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.







