BANASKANTHADEODAR

ચૂંટણીમાં હાર બાદ દિયોદર ભાજપ પ્રમુખનો મીડિયા પર પ્રહાર, ‘બોગસ ડિગ્રી’વાળી પોસ્ટથી વિવાદ: રોષ વકરતા પોસ્ટ ડિલીટ

  1. *ચૂંટણીમાં હાર બાદ દિયોદર ભાજપ પ્રમુખનો મીડિયા પર પ્રહાર, ‘બોગસ ડિગ્રી’વાળી પોસ્ટથી વિવાદ: રોષ વકરતા પોસ્ટ ડિલીટ*

    *દિનેશ દવેએ લખ્યું- ‘પક્ષપાતી પત્રકારિતા વિશ્વાસ ગુમાવે છે’, જિલ્લાભરના પત્રકારોમાં નારાજગી, જિલ્લા પ્રમુખ પગલાં ભરે તેવી માંગ*

પ્રતિનિધિ દિયોદર ફોટો પોસ્ટ

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

*દિયોદર* વિવાદિત દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ રાજકીય તાપમાન નીચું આવ્યું નથી. હારનો સામનો કરી ચૂકેલા દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ દવેએ મીડિયા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકતા નવો વિવાદ છેડાયો છે.

દિનેશ દવેએ ફેસબુક પર લખ્યું હતું કે, “તથ્યો કરતાં પક્ષપાતને પ્રાધાન્ય આપતી પત્રકારિતા વિશ્વાસ ગુમાવે છે. આજે અમુક પત્રકારો બોગસ ડિગ્રીઓ લઈ અને પત્રકારત્વના ધર્મને લજવી રહ્યા છે.” આ પોસ્ટ વાયરલ થતા જ દિયોદર સહિત વાવ-થરાદ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના મીડિયાકર્મીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ચૂંટણીમાં કોંગ્રેસની બહુમતીથી જીત થયા બાદ વિરોધ પક્ષ સામે રાજકીય ટિપ્પણી કરવાના બદલે ભાજપ પ્રમુખે મીડિયાને નિશાન બનાવતા પત્રકારોમાં નારાજગી ફેલાઈ. પત્રકારોનું કહેવું છે કે, “પાંચ દિવસના ડ્રામા બાદ જે સત્ય સામે આવ્યું તે જ પ્રસિદ્ધ કર્યું. કોંગ્રેસ પાસે બહુમતી હતી તે હકીકત હતી.
જિલ્લાભરમાંથી ઉગ્ર પ્રતિક્રિયાઓ આવતા અને વિવાદ વકરતા દિનેશ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વિવાદિત પોસ્ટ હટાવી દીધી હતી. જોકે પોસ્ટ ડિલીટ કર્યા બાદ પણ મીડિયાકર્મીઓનો રોષ યથાવત છે.
દિયોદરના વરિષ્ઠ પત્રકારે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “ચૂંટણી દરમિયાન 45 ડિગ્રી તાપમાં પણ મીડિયાએ પળેપળની સચોટ માહિતી આપી. જનતાએ અમને વધાવ્યા. હાર પચાવવાના બદલે મીડિયાને બદનામ કરવાનો પ્રયાસ નિંદનીય છે. આવી પોસ્ટ ન કરવી જોઈએ.”
જિલ્લાના પત્રકાર સંગઠનોએ માંગ કરી છે કે જિલ્લા ભાજપ પ્રમુખે આ મામલે દિનેશ દવે સામે જરૂરી પગલાં ભરવા જોઈએ. પત્રકારોએ ઉમેર્યું કે, “લોકશાહીમાં મીડિયા ચોથી જાગીર છે. તેને ટાર્ગેટ કરવી યોગ્ય નથી.
દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ-ઉપપ્રમુખ જાહેર કરવામાં અનેક અડચણો આવી હતી. બે વખત ચૂંટણી રદ થયા બાદ ત્રીજી વખત મતદાન યોજાયું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં દિયોદર મીડિયાની ભૂમિકાની ચોતરફ પ્રશંસા થઈ હતી. અંતે કોંગ્રેસે બહુમતીથી પંચાયત કબજે કરી હતી

Back to top button
error: Content is protected !!