પર્યાવરણ પ્રત્યેના અનહદ પ્રેમને પગલે “સ્વાનંદ” માટે પ્રકૃતિ સંરક્ષણનું કાર્ય કરતા શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશી
4 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી પુલકિત જોશી મૂળ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામના વતની છે. મગરવાડા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના આદ્ય સ્થાપક એમના દાદાજી શ્રી ડાહ્યાલાલ મણિલાલ જોશી આદર્શ શિક્ષક તો હતા જ પણ વિશેષત: ભારે પ્રકૃતિ પ્રેમી હતા. આજે તેમનો આખો પરિવાર પ્રકૃતિ પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે. શ્રી પુલકિતભાઈ કેટલાંય વર્ષોથી શિક્ષણની કામગીરી સાથે જોડાયેલા છે. પણ તે પહેલેથી પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ખૂબ લગાવ ધરાવે છે. તેથી સરકારી સેવા સાથે સમાજની સેવા માટે શિક્ષકોને આ દિશામાં વિશેષ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી રહ્યા છે. હાલગ્લોબલ વાર્મિંગની પરિસ્થિતિને ખાળવા માટે અનેક સંસ્થાઓ અને સમાજ સેવકો પર્યાવરણ વિષય પર કામ કરી રહ્યા છે. તે સાથે શ્રી જોશીએ એનોખો અભિગમ શરૂ કર્યો છે, પ્રાથમિક શાળામાંથી બાળકને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી શાળાના શિક્ષકોને આ કામગીરીમાં રસ જગાડી રહ્યા છે. આજે સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા હી સેવા જેવાં કાર્યોમાં જોડાયેલા શિક્ષકો દ્વારા શાળામાં બગીચો, કિચન ગાર્ડન, વૃક્ષારોપણ, બાળકોનાં ઘર અને શાળામાંથી નકામું પ્લાસ્ટિક એકત્ર કરી વેસ્ટ બોટલમાં ભરી પ્લાસ્ટિક મુક્ત અભિયાન, પાણી બચાવો, વીજળી બચાવો જેવા વિષયો પર કામ થઈ રહ્યું છે, ત્યારે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન અભિગમ સાથે ઉત્તમ અને અદકેરું કાર્ય કરતા શિક્ષકોને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્યના ૨,૫૦૦ શિક્ષકોને સન્માનિત કરવાના કાર્યક્રમનું તેમણે લોક સહયોગથી આયોજન કરેલું છે.
‘હું છું પર્યાવરણ સંરક્ષક ‘ – શ્રી જોશીના આ અભિયાનને બહોળો પ્રતિસાદ, જેમાં રાજ્યના અનેક શિક્ષકો સ્વયંભૂ જોડાયા.
રાજ્ય સરકારના કર્મયોગી શ્રી જોશીએ મર્મયોગી બની એક નવતર અભિગમ શરૂ કર્યો છે, “હું છું પર્યાવરણ સંરક્ષક – આવો સાથે મળી પર્યાવરણ બચાવીએ”. આ અભિયાન શરૂ કરતાં આ દિશામાં કામ કરતા શિક્ષકોએ જ આ આખા અભિયાનને ઉપાડી લીધું. સોશિયલ મીડિયા દ્વારા ચર્ચા અને માર્ગદર્શન ચાલ્યાં અને કાર્ય વેગવંતુ બન્યું. આજે તો આ સામૂહિક અભિયાન બની ગયું છે. આ અભિયાનની સફળતાના શ્રેય માટે હજારો જણ હકદાર છે ઉમદા વ્યક્તિત્વ, કર્તવ્ય નિષ્ઠ કર્મયોગી અને પરોપકારી શ્રી પુલકિત જોશી મહેસાણા જિલ્લામાં નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ૧૫ માર્ચ ૨૦૧૭ માં જોડાયા હતા, મહેસાણા ખાતે ઉત્તમ કામગીરી કર્યા બાદ પ્રતિનિયુક્તિ તરીકે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ખાતે ૦૧ એપ્રિલ ૨૦૨૧ ના દિવસે ચાર્જ સંભાળ્યો હતો. સંસ્કૃત થકી સુરાજ્યની ભાવના સાથે રાજ્યના ૩૩ જિલ્લામાં સંસ્કૃત સંભાષણના વર્ગો કરી સંસ્કૃતિના ઉત્થાન માટે કાર્ય કર્યું, જેમાં ૭,૦૦૦ શિક્ષકોને જોડ્યા હતા. તે પછી અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સેવારત છે. સારી કામગીરી કરતા શિક્ષકોને બિરદાવવા એ તેમનું ધ્યેય છે, આ મંત્રને તેઓ સતત આગળ ધપાવી રહ્યા છે અને રાજ્યના જે શિક્ષકો શિક્ષણ કાર્ય સિવાય સ્વાન્ત સુખાયની ભાવનાથી સમાજ જાગૃતિનાં કાર્યો કરી રહ્યા છે તેમને સન્માનિત કરવાની કામગીરી અવારનવાર કરતા રહે છે. શ્રી જોશીએ તેમના અભ્યાસકાળ દરમિયાન સાકાર યુવા મંડળના પ્રમુખ હતા ત્યારથી આજ સુધીમાં યુવાનો, શિક્ષકો અને સમાજના સાથ અને સહકારથી ૩ લાખ ૫૦ હજાર જેટલાં વૃક્ષોની વાવણીનું કાર્ય કરેલ છે.
શ્રી જોશી માને છે કે બાળ માનસમાં સારા સંસ્કારનું સિંચન થાય તો ઉત્તમ નાગરિકો મળે અને તેમના થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થઇ શકે છે. તે માટે પર્યાવરણ જેવા સંવેદનશીલ વિષયમાં શિક્ષકોની મદદથી કુમળા મનમાં આ વિષયને પ્રસ્તુત કરવાનો અનોખો પ્રયાસ તેમણે શરૂ કરેલ છે. તેઓ રાજ્યના ૧૮ હજાર જેટલાં ગામડાંમાં સેવા આપી રહેલા શિક્ષકોનો સહયોગ લઇ આગામી ભવિષ્યને સુરક્ષિત કરી @૨૦૪૭ના વિકસિત ભારતમાં સહયોગ આપવા કર્મઠ બન્યા છે. તેમણે સ્વચ્છતા, પ્રદૂષણ નિવારણ, વૃક્ષારોપણ, જળસંચય, પ્લાસ્ટિક મુક્તિ, વીજ બચત, જૈવ વૈવિધતાની જાળવણી, જમીન સુધારણા અને જમીન પુન:સ્થાપનના વિષયોને જમીન સ્તર સુધી લઇ જઇ પર્યાવરણ બચાવો દેશ બચાવો અભિયાનમાં સૌનો સહકાર મેેળવવાનો નિર્ધાર કર્યો છે.
પર્યાવરણનું સંરક્ષણ દરેક નાગરિકની જવાબદારી છે. જો તેના માટે આજથી પગલાં નહિ લઇએ તો ભવિષ્ય મુશ્કેલ બની જશે ત્યારે શ્રી જોશીના આવા નાના નાના પ્રયાસો આગામી સમયમાં સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં પ્રેરક બળ પૂરું પાડશે તેમાં કંઇ નવાઇ નથી..