સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળા પાલનપુરમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો
23 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળા પાલનપુરમાં આજે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો, જેમાં શાળાની બાળાઓ દ્વારા સૌ પ્રથમ સમૂહ પ્રાર્થના કરી. શાળાની બાળાઓ દ્વારા સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી અને મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ધોરણ નવ ની બાળાઓ દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કંકુ-તિલક કરી મો મીઠું કરાવ્યું. ત્યારબાદ વિદાય લેનાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ અને વિદાય આપનાર ધોરણ નવ ના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા. સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, આચાર્યશ્રી ધીરજકુમાર પરમાર, માધ્યમિક શાળાના શિક્ષકો શ્રી જગદીશભાઈ પરમાર, શ્રીમતી નિમિષાબેન મોગરા, શ્રી અજીતભાઈ વાઘેલાએ વિદાય લેનાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓને આવનાર ધોરણ 10 ની એસએસસીની પરીક્ષામાં જવલંત સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓ અને સમગ્ર સમતા પરિવારે અલ્પાહાર ગ્રહણ કર્યો હતો. આજના આ દિક્ષાંત પ્રસંગનું સંચાલન શાળાના શિક્ષક શ્રીમતી નિમિષાબેન મોગરાએ કર્યું હતું.