BANASKANTHADEODAR

વાવ-થરાદ: ૨૧મી જૂને જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીને પગલે વાહનવ્યવહાર માટે રૂટ ડાયવર્ઝન જાહેર

*વાવ-થરાદ: ૨૧મી જૂને જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીને પગલે વાહનવ્યવહાર માટે રૂટ ડાયવર્ઝન જાહેર*

પ્રતિનિધિ દિયોદર. અહેવાલ કલ્પેશ બારોટ

*યોગ દિવસ અંતર્ગત થરાદમાં ટ્રાફિક રૂટ ડાયવર્ટ કરાયો: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું*

*થરાદ સર્કિટ હાઉસ વિસ્તારમાં ૨૧ જૂને વાહનો માટે વૈકલ્પિક રૂટ નક્કી; જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી*

આગામી તારીખ ૨૧/૦૬/૨૦૨૬ ના રોજ થરાદ સર્કિટ હાઉસ ત્રણ રસ્તા ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના ૦૬:૦૦ કલાકથી ૦૯:૦૦ કલાક સુધી યોજાનારા આ કાર્યક્રમ અંતર્ગત સર્કિટ હાઉસ ત્રણ રસ્તા ખાતે સ્ટેજ તેમજ રેફરલ ત્રણ રસ્તાથી ઢીમા ત્રણ રસ્તા સુધી અને સર્કિટ હાઉસથી તાલુકા પંચાયત કચેરી સુધીના માર્ગો પર યોગ દિવસની પ્રવૃત્તિઓ હાથ ધરાશે. આ સમય દરમિયાન સદરહુ રસ્તાઓ પરથી પસાર થતા સામાન્ય વાહનવ્યવહારને કોઈ અડચણ ન પડે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ટ્રાફિક રૂટ ડાયવર્ટ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે.

આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વાવ-થરાદના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મયુર મહેતા (આઈ.એ.એસ.) દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત તારીખ ૨૧/૦૬/૨૦૨૬ ના રોજ મધ્યરાત્રિ ૦૦:૦૦ કલાકથી બપોરના ૧૨:૦૦ કલાક સુધી વાહનવ્યવહાર માટે વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ અમલી બનાવવામાં આવ્યો છે.

જાહેરનામામાં દર્શાવ્યા અનુસાર નવા ડાયવર્ઝન રૂટની વિગતો જોઈએ તો, વાવ તરફથી આવતા તમામ વાહનો હવે ઢીમા ત્રણ રસ્તાથી શિવનગર થઈને શિવાય હોટેલ ત્રણ રસ્તા તરફ જઈ શકશે. આ ઉપરાંત સાંચોર, ધાનેરા અને ડીસા તરફથી આવી વાવ તરફ જતા વાહનો ગૌમાતા સર્કલથી મીઠા રોડ થઈ, નાગલા પુલથી કેનાલ રોડ પકડીને વાવ તરફ જઈ શકશે.
આ જાહેરનામાનો કડક અમલ કરવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા તાકીદ કરવામાં આવી છે.

જો કોઈ પણ વ્યક્તિ આ સરકારી હુકમ અથવા જાહેરનામાના નિયમોનો ભંગ કરશે, તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ જાહેરનામાના ઉલ્લંઘન બદલ સંબંધિત ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે વાવ-થરાદ જિલ્લાના હેડ કોન્સ્ટેબલ તેમજ તેમનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!