વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૧ ફેબ્રુઆરી : કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ દ્વારા તા.૨૨/૦૧/૨૦૨૫ થી ૦૮/૦૩/૨૦૨૫ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રાજ્ય તથા વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે.અત્રેના જિલ્લામાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના અધ્યક્ષ માન. કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના નેજા હેઠળ તા.૩૧/૦૧/૨૦૨૫ના રોજ ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ની ટીમ દ્વારા અંજાર તાલુકાના માથક ગામે “શેરી રમતોત્સવ” અન્વયે શેરી રમત અને કિશોરીઓ માટે “મેડીકલ ચેકઅપ” કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
આ રમતોત્સવ કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી કુંવરબેન વાસણભાઈ બવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર કૃપાલીબેન વ્યાસ, પ્રાથિમક શાળાના આચાર્યશ્રી મુળજીભાઈ, DHEW ટીમના મિશન કો-ઓર્ડીનેટરશ્રી ફોરમબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાર્યક્રમનો મુખ્ય હેતુ DMCશ્રી ફોરમ બેન વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રમતોત્સવ કાર્યક્રમમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ના કુમાર અને કન્યાને શેરી રમતોત્સવમાં મુખ્ય કોથળા કૂદ રમત રમાડવામાં આવી હતી. જેમાં દીકરા અને દીકરીઓને એક જ રમત ગામની મુખ્ય શેરીમાં રમાડવામાં આવી હતી. જેમાં બનેમાં સમાનતાના ધોરણે ૧ મિનિટ, લીંબુ ચમચી જેવી અન્ય રમતો પણ રમાડવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૦થી વધુ લોકો જોડાયા હતા.
દીકરીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈને PHC માથકના ફીમેલ હેલ્થ વર્કર સાથે ગામની કિશોરીઓ માટે “મેડીકલ ચેકઅપ” કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ. જેમાં ૫૦થી વધુ કિશોરીઓના વજન, ઉચાઇ, હિમોગ્લોબીન ચેકઅપ કરવામાં આવેલ તેમજ માસિકસ્ત્રાવ અંગેની સમજણ અને સ્વચ્છતા અંગેની માહિતી આપવામાં આવેલ. ગામમાં નવતર જન્મેલ ૦૨ દીકરીઓને “દીકરી વધામણાં” કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન માટે DHEWની ટીમ, OSC ટીમ મેમ્બર અને ગામના આંગણવાડી કાર્યકર બહેનો સાકુબેન તેજાભાઈ કાનગડ અને સરોજબેન નાયકએ જવાબદારી ઉઠાવી હતી.