ભરૂચમાં બે દિવસથી રાત્રીના સમયે વીજળીના કડાકા પણ માત્ર 2 મિમી જ વરસાદ નોંધાયો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ હવામાન વિભાગ દ્વારા એક તરફ આગામી સપ્તાહભર ભરૂચ જિલ્લામાં છુટાછવાયાં વરસાદી ઝાપટાં જ્યારે નર્મદા જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં બે દિવસથી રાત્રીના સમયે વાતાવરણમાં પલટો અનુભવાઇ રહ્યો છે. જોકે, ભરૂચ જિલ્લામાં વીજળીના કડાકાભડાકા થાય છે પરંતુ માત્ર અમુક જ વિસ્તાર સારો વરસાદ નોંધાય છે જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્ય ઝરમર રહે છે. બીજી તરફ નર્મદા જિલ્લામાં મેઘરાજાએ ચોમાસાના વિદાયના ટાંણે ધૂંઆધાર બેટીંગ કરી છે. જીલ્લાના સાગબારા અને દેડિયાપાડા પંથકમાં ભારે વરસાદ પડવાને કારણે ડુંગરાળ વિસ્તારમાં વહેતાં ઝરણાઓએ નદીઓનું રૂપ ધારણ કરી લીધું હતું. ભરૂચ જિલ્લામાં ગઇકાલે રાત્રીના સમયે ગાજવીજ થતાં એકંદરે ભારે વરસાદની મોસમ જામી હતી.જોકે, રાત્રીના સમયગાળામાં 5 જિલ્લામાં જ વરસાદની સામાન્ય હાજરી નોંધાઇ હતી.જેમાં આમોદ, ભરૂચ, ઝઘડિયા તેમજ વાગરા પંથકમાં 2- 2 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓ જેમકે હાંસોટ, જંબુસર, નેત્રંગ અને વાલિયામાં વરસાદે ગેરહાજરી નોંધાવીહતી. શનિવારે સાંજે પણ અચાનક આકાશમાં વાદળો ઉતરી આવતાં અંધારપટ જેવું વાતાવરણ બન્યું હતું. બાદમાં વીજળીના કડાકાભડાકા થયાં હતાં. સામાન્ય ઝરમર થયા બાદ વરસાદ બંધ થઇ ગયો હતો. જોકે, વાલિયા પંથકમાં સાંજે 4થી 6 વાગ્યાના ગાળામાં 32 મીમી વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લામાં સોં ટકા થી પણ વધુ વરસાદ અત્યાર સુધી નોંધાઇ ચુક્યો છે, તેમજ નર્મદા જિલ્લાના તમામ મોટા ડેમો ચાલુ સાલ છલકાય પણ ચુક્યા છે, પરંતુ ભારે થી અતિ ભારે વરસાદ હજુ પણ અવિરત પડી રહ્યો છે, જેને કારણે જન જીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે, શનિવારના રોજ સવારથીજ કાળા ડિબાંગ ઘેરાયેલા વદળોના કારણે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે સાગબારા અને દેડિયાપડા વિસ્તારમાં વધુ વરસાદને કારણે સામાન્ય વહેતા ઝરણાએ નદી નું સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાનીનો વારો વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકશાની પણ થઈ રહી છે, વધુ વરસાદ પડવા છતાં પણ ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, હાલ તો નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડીયાપડા વિસ્તારમાં ભારે ગાજ વીજ સાથે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે કમોસમ હોવા છતાં નદી નાળા ફરી એક વાર છલકાય ચુક્યા છે ત્યારે ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે.