ભરૂચ નગરપાલિકાનું બજેટ સર્વાનુમતે મંજૂર:વર્ષ 2025-26 માટે રૂ.46.72 કરોડની પુરાંત, રંગ ઉપવન અને કલાભવનના નવીનીકરણની જાહેરાત
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભાના પ્રારંભે પાલિકા સભ્ય વિશાલ વસાવાના નિધન બદલ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વર્ષ 2025-26નું રૂ.46.42 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું. તેમણે જણાવ્યું કે વિવિધ ગ્રાન્ટ હેઠળ રંગ ઉપવન, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનનું નવીનીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત રતન તળાવનું બ્યુટિફિકેશન અને ટ્રાફિક સર્કલ તથા રોડનું નવીનીકરણ પણ કરવામાં આવશે.
શહેરના પૂર્વ વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન કાર્યાન્વિત થશે. પાલિકાની નવી બિલ્ડિંગ માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. વિપક્ષના નેતા સમસાદ અલીએ બજેટને આંકડાકીય માયાજાળ ગણાવ્યું. તેમણે આઠ મુદ્દાઓ બજેટમાં સમાવવાની માગણી કરી હતી, જેમાંથી માત્ર ફાટા તળાવ ખાતે પે એન્ડ પાર્કની સુવિધાનો જ સમાવેશ કરાયો છે. ટ્રાફિક સમસ્યા, હોકર્સ ઝોન, રખડતા ઢોરોની સમસ્યા, વિક્ટોરિયા ટાવરનું પુનઃનિર્માણ, પશ્ચિમ વિસ્તારમાં ફાયર સ્ટેશન અને સ્લોટર હાઉસ જેવા મુદ્દાઓ બજેટમાં સમાવવામાં આવ્યાં નથી. સભાના અંતમાં ‘એક નેશન એક ઇલેક્શન’ના સમર્થનનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો, જેનો વિપક્ષે વિરોધ કર્યો. જોકે, શાસક પક્ષે બહુમતીના જોરે તેને મંજૂરી આપી હતી.
સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ, રાજશેખર દેશવર તેમજ વિપક્ષમાંથી સમસાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ, હેમેન્દ્ર કોઠીવાલા અને સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.