BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ પાલિકાની અનોખી પહેલ:શાકભાજી-ફળોના કચરામાંથી દરરોજ બનાવાયા છે 65 ટન ખાતર, 10થી વધુ બગીચાઓમાં થઈ રહ્યો ઉપયોગ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ નગરપાલિકાએ કચરાના નિકાલની સમસ્યાનો અનોખો ઉકેલ શોધ્યો છે. પાલિકા હવે શાકભાજી અને ફળફળાદીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી રહી છે. આ પહેલથી પાલિકાને બે ફાયદા થયા છે – કચરાનો યોગ્ય નિકાલ અને બગીચાઓ માટે મફત ખાતર. 2.25 લાખની વસ્તી ધરાવતા ભરૂચ શહેરમાં બે એપીએમસી માર્કેટ અને 8 નાના-મોટા શાક-ફળની માર્કેટમાંથી દરરોજ 5 હજાર કિલો કચરો નીકળે છે. શહેરમાં 15 હજાર કોમર્શિયલ અને 45 હજાર રહેણાંક મિલકતોમાંથી પણ ટનબંધ કચરો એકત્ર થાય છે.
પાલિકાએ જેબી મોદી પાર્ક નજીક મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ત્રણ તબક્કાની પ્રક્રિયા માટે મશીનરી સ્થાપિત કરી છે. પ્રથમ તબક્કામાં કચરાને ક્રશ કરવામાં આવે છે. બીજા તબક્કામાં નિયંત્રિત તાપમાને પ્રોસેસિંગ થાય છે. ત્રીજા તબક્કામાં ભેજયુક્ત મટીરિયલને સૂકવીને કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે.જેનું સંપૂર્ણ દેખરેખ પ્રોજેક્ટ ઈનચાર્જ પૂજા રામી રાખી રહ્યા છે.
નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું કે, અગાઉ આ કચરો સીધો ડિસ્પોઝલ સાઈટ પર ફેંકાતો હતો.હાલમાં મહિને 65 ટન ખાતર તૈયાર થાય છે. આ ખાતર શહેરના 10થી વધુ બગીચાઓમાં વપરાય છે. આનાથી પાલિકાનો ખાતર પાછળનો વાર્ષિક ખર્ચ શૂન્ય થઈ ગયો છે. આ પહેલથી પાલિકાએ કચરા નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યો છે. સાથે જ બગીચાઓ માટે મફત ખાતર મેળવીને આર્થિક બચત પણ કરી છે.

Back to top button
error: Content is protected !!