ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક ડમ્પિંગ સાઈટ માટે ખોદકામ કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ ઘેરાવો કરતાં ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ સ્થળ છોડી ભાગવું પડ્યું હતું
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગર સેવાસદન માટે ડમ્પિંગ સાઈટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે.થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક બૌડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઈટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા આ કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ છોડી ભાગી જવું પડ્યું હતું.આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઈટ ખાતે લઈ જવામાં આવશે. રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે ત્યારે તેના પર ડમ્પીંગ સાઈટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનોએ માંગ કરી છે.