(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
દહેજ ખાતે કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા ૪૦ હજારની લાંચ લેતાં એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયો છે. તેમણે કોન્ટ્રાક્ટર પાસે સામાન લઇ જવાના બદલામાં લાંચ માંગી હતી.
દહેજ સેઝ-૧ માં આવેલી કંપનીમાં પ્રોજેક્ટ પુરો થતાં કોન્ટ્રાક્ટર દ્વારા તેનો સામાન પરત લઇ જવાનો હતો. ત્યારે દહેજ સેઝ-૧ નાં ગેટ પરથી સામાન કઢાવવા માટે ચેકિંગ કરાવી પેપર પર સહી-સિક્કા કરાવાના હોઇ તેના માટે કસ્ટમ ઇન્સ્પેક્ટરે રૂપિયા ૪૦ હજારની લાંચ માંગી હતી. જેથી કોન્ટ્રાક્ટરે એસીબી માં ફરીયાદ કરી હતી જેથી ભરૂચ એ.સી.બી. ટીમે છટકું ગોઠવી તેને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો. દહેજ ખાતેની સેઝ-૧ ની કંપનીઓમાં એક શખ્સ કન્સ્ટ્રક્શન સિવિલ અને મિકેનીકલ કોન્ટ્રાક્ટર તરીકે ગ્રીન ફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો ધંધો કરતો હતો. આ પ્રોજેક્ટમાં તેઓને દહેજ જી.આઇ.ડી.સી.માં આવેલા સેઝ-૧ ના ગેટની અંદર સિવિલ સેન્ટીંગનો સામાન લઇ જવા માટે અને સામાન બહાર કાઢવા માટે દહેજ સેઝ-૧ ના ગેટ ઉપર ચેકીંગ કરાવી પેપર ઉપર સહી અને સિક્કો મારવાનો હોય છે. કોન્ટ્રાક્ટરનું સેઝ-૧ માં ચાલતુ કામ પુરુ થઈ ગયું હોય સામાન પરત લેવા માટે કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરે ગઇ તારીખ ૭મી જૂનના રોજ આ કામના આરોપી પાસે પેપર લઇને જતાં આ કામના આરોપીએ પેપરમાં સહી નહીં કરીને કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા ૪૦ હજારની લાંચ માગી હતી. જોકે તેઓ લાંચ આપવા માંગતા ન હોય ભરૂચ એ.સી.બી.નો સંપર્ક કરી તમામ હકિકતથી વાકેફ કરતાં એસીબીએ તેમની ફરીયાદના આધારે આજે તારીખ ૧૨-૬ નાં રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. છટકા દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માંગણી કરી હતી અને ફરીયાદી પાસેથી રૂપિયા ૪૦ હજારની લાંચ સ્વીકારતાં એસીબી ટીમે તેમને ઝડપી પાડ્યો હતો. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને સિદ્ધાંત અને સંકલ્પ સમર્થન સમિતિ મોરબી એ અભિનંદન પાઠવ્યા છે.