‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે જી.એન.એફ.સી. મંદિર ગ્રાઉન્ડ ખાતે બહોળી સંખ્યામાં લોકોએ યોગઅભ્યાસ કર્યો..
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૨૧/૦૬/૨૦૨૪
ભરૂચ – ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભરૂચ સ્થિત જી.એન.એફ.સી. મંદિર ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લાના જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે રા્જય કક્ષાના યોગ બોર્ડના ચેરેમેને જિવંત પ્રસારણ દ્નારા અને જિલ્લા કો-ઓર્ડિનેટરે યોગ પ્રશિક્ષકનો કોમન પ્રોટોકૉલનું નિદર્શન કરીને ઉપસ્થિત લોકોને યોગની વિવિધ મુદ્રાઓનું પ્રશિક્ષણ આપ્યું હતું.
આ પ્રસંગે, ભરૂચના સમાહર્તા તુષાર સુમેરાએ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે ઉજવાતા વિશ્વ યોગ દીનનો પ્રભાવ હવે વધી રહ્યો છે. આ યોગદીનની ઉજવણીને કારણે લોકો તેને જીવનનો ભાગ બનાવતા આવ્યા છે. ત્યારે આજના દીવસે જેટલા પણ લોકો આ ઈવેન્ટમાં જોડાયા તેઓ પણ યોગનું મહત્વ સમજી રોંજિદા જીવનમાં યોગને ભાગ બનાવે તેવી તેમણે લોકોને હાંકલ કરી હતી.
આ પ્રસંગે, જમ્મુ કાશ્મીરનાં શ્રીનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા બનાસકાંઠાના નડા બેટ ખાતેના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગ સંદર્ભનું પ્રવચન ઉપસ્થિતોએ રસપૂર્વક નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ નડાબેટ ખાતેથી જીવંત પ્રસારણથી ગુજરાતનાં લોકોનો સંબોધન કરતા વિશ્વ યોગ દિન શુભકામનાઓ પાઠવી હતી.
આ ઉપરાંત, ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા, યોગાસન અને તેનાથી થતાં ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત્ત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા કક્ષાની સાથોસાથ જિલ્લાની તમામ નગરપાલિકાકક્ષાએ અને તાલુકાકક્ષાએ પણ આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી કરાઇ હતી.
આ તબક્કે ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા પ્રાયોજના વહીવટદાર યોગેશ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી પી.આર. જોષી, આર.એ.સી. એન. આર. ધાંધલ, સહિત જિલ્લાની વિવિધ સ્વૈછિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત અંદાજે ૨૫૦૦ જેટલા નગરજનોએ ઉત્સાહભેર યોગાભ્યાસમાં સહભાગી થયા હતા.