મહાશિવરાત્રિ પર્વે ભરૂચમાં ભક્તિમય માહોલ:નીલકંઠેશ્વર મહાદેવ સહિત તમામ શિવાલયોમાં સવારથી ભક્તોની ભીડ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર અને જિલ્લાના શિવાલયોમાં મહાશિવરાત્રિના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ ભાવિક ભક્તો શિવાલયોમાં દર્શન અને અભિષેક માટે ઉમટી પડ્યા હતા. શહેરના તમામ શિવમંદિરોમાં સવારથી જ મેળા જેવો માહોલ જામ્યો હતો. ભક્તોએ ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કર્યા હતા. દૂધથી અભિષેક કરી શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા. શિવાલયોને પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા.
નર્મદા નદી કિનારે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ શિવજીને કંકુ સહિતની લાલ વસ્તુઓ અર્પણ કરી આરાધના કરી હતી. શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર ઘીના કમળ અને બરફના શિવલિંગે લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું. ‘ઓમ નમઃ શિવાય’ મંત્રના જાપથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ‘હર હર મહાદેવ’ના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. શ્રદ્ધાળુઓ શિવજીને રીઝવવા ભક્તિમાં લીન બન્યા હતા.