ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો જુગારધામ પર દરોડો, 19 આરોપી ઝડપાયા


સમીર પટેલ, ભરૂચ
ટંકારીયામાં મકાનના પ્રથમ માળે ચાલતા જુગારધામ પર LCBની કાર્યવાહી, રૂ.2.42 લાખનો મુદ્દામાલ કબજે
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ભરૂચ તાલુકાના ટંકારીયા ગામની ગોડર સ્ટ્રીટ ખાતે આવેલા એક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા અને રમાડતા 19 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ,17 મોબાઈલ ફોન તથા જુગાર રમવા માટેના ટોકન સહિતનો કુલ રૂ.2.42 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિમેષ નવિનભાઈને બાતમી મળી હતી કે, ટંકારીયા ગામના ગોડર સ્ટ્રીટ વિસ્તારમાં રહેતો રફીક સુલેમાનભાઈ સાપા પોતાના જૂના મકાનમાં બહારથી લોકોને બોલાવી જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે. બાતમીની ખરાઈ કર્યા બાદ પોલીસે જુગારધારા મુજબ જરૂરી વોરંટ મેળવી પંચોને સાથે રાખી મકાનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન મકાનમાં જુગાર રમતા અને રમાડતા કુલ 19 શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસ તપાસમાં મુખ્ય સંચાલક તરીકે રફીક સાપા હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, જુગાર રમવા આવતા ખેલાડીઓ પાસેથી રૂ.500 એન્ટ્રી ફી વસૂલવામાં આવતી હતી. ત્યારબાદ રોકડ રકમ જમા કરાવી જુદી જુદી કિંમતના પ્લાસ્ટિકના ટોકન આપવામાં આવતા હતા. આ ટોકન રૂ.20, રૂ.50, રૂ.100 અને રૂ.200ના મૂલ્યના હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, ખેલાડીઓ પાસેથી કલાક દીઠ રૂ.500 ટેબલ ચાર્જ પણ લેવામાં આવતો હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
પોલીસે જુગારના સ્થળેથી અંગઝડતી તથા દાવ પરથી રૂ.1,16,815 રોકડા, વિવિધ કંપનીના 17 એન્ડ્રોઇડ અને કીપેડ મોબાઈલ ફોન, 151 પ્લાસ્ટિક ટોકન કોઈન, પ્લાસ્ટિક તથા સ્ટીલની ટોકરીઓ, પાથરણાં, જુગાર બોર્ડ અને પત્તાની કેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.2,42,315 હોવાનું પોલીસે જણાવ્યું છે.
દરોડા દરમિયાન ઝડપાયેલા શખ્સોમાં રફીક સુલેમાનભાઈ સાપા, લતીફ ઇસ્માઇલ રબદા, ફિરોઝ અમીર શેખ,આસીફ કાસમભાઈ મલેક,હારૂન ઇબ્રાહીમ સુતરીયા,જીતેશ પરસોત્તમભાઈ માછી, ભીખા કેસુરભાઈ વસાવા, અબ્દુલ રસુલ ભટ્ટી, મહેશ ભાઈલાલ માછી, હારૂન ઇસ્માઇલભાઈ બાલા, અયુબ ઇસ્માઇલભાઈ સીંધી, લતીફ અહમદ પટેલ, રસીદ ઇબ્રાહીમ લાલન, પીર મહમદ ફકીર મહમદ મલેક, સબ્બીર ઇબ્રાહીમ પટેલ, ફારૂક ઇસ્માઈ કાપડીયા, ઈમરાન ઇબ્રાહીમભાઈ લાલન, યાવર હુસેન ઉર્ફે બાબામીયા મુનીરમિયાં મલેક અને સલીમ વલી લાલનનો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન નાસભાગમાં યાવર હુસેન ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ મામલે LCB પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની મુજબ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે કેસ પાલેજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.



