ભરૂચ: મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરી, એક બીજાને ગળે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરીને એક બીજાને ગળે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી
ભરૂચમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી હતી. આ અવસરે લોકો એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેર-જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં રવિવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી. લોકોએ ચાંદના દીદાર કરીને એક બીજાને ચાંદ મુબારક પાઠવી હતી. આજરોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી. ઈદના દિવસે નાના-મોટા અને વડીલ લોકો નવા કપડા પહેરીને મસ્જિદમાં જઈને નમાઝ અદા કરે છે. અને અલ્લાહ તાલાને પાસે શાંતિ અને સુખ માટે દુવાઓ કરી હતી. ભરૂચ જિલ્લામાં આવેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાજ અદા કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવી ઈદ મુબારકબાદી પાઠવી હતી.
આજના પર્વને ઈદ-ઉલ-ફિત્ર અથવા મીઠી ઈદ પણ કહેવામાં આવે છે. પવિત્ર રમઝાન માસના અંતમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે. આ સાથે જ રોજા અને રમઝાન માસનો અંત થાય છે. આજના દિવસે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.