BHARUCH
જંબુસરમાં ડુપ્લીકેટ સેફ્ટી બુટનો પર્દાફાશ:ત્રણ દુકાનોમાંથી ટાઇગર બ્રાન્ડના નકલી 18 જોડી બુટ જપ્ત, કોપીરાઇટ એક્ટ હેઠળ કાર્યવાહી
સમીર પટેલ, ભરૂચ
જંબુસર શહેરમાં બ્રાન્ડ પ્રોટેક્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રતિનિધિઓએ પોલીસ સાથે મળીને મોટી કાર્યવાહી કરી છે. કંપનીના પ્રતિનિધિઓને ડુપ્લીકેટ સેફ્ટી બુટના વેચાણની માહિતી મળતા તેમણે પોલીસ સાથે દરોડા પાડ્યા હતા.
જંબુસર બજારમાં આવેલી સારોદવાળા ફુટવેર, અમૂલ ટ્રેડર્સ અને ડભોઇવાલા ફુટવેર એમ ત્રણ દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ટાઈગર બ્રાન્ડના નામથી વેચાતા ડુપ્લીકેટ સેફ્ટી બૂટ મળી આવ્યા હતા.
પોલીસે ત્રણેય દુકાનોમાંથી કુલ 18 જોડી બૂટ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા માલની કિંમત રૂપિયા 8,100 આંકવામાં આવી છે. પોલીસે ત્રણેય દુકાનદારો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.