ભરૂચમાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ શરૂ: ચોમાસા-તહેવારો પહેલાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી, એક હોટલ સીલ


સમીર પટેલ, ભરૂચ
ચોમાસાની ઋતુ તેમજ આગામી તહેવારોને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેની સૂચના અને માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી અને ડીવાયએસપી સી.કે. પટેલના નેતૃત્વમાં મામલતદાર, ચીફ ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસર, ફાયર અને આરોગ્ય વિભાગની ટીમોએ બાયપાસ વિસ્તારમાં આવેલા 10થી 11 જેટલા હોટલ-રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન મોટાભાગના એકમોમાં ફૂડ સેફ્ટી એક્ટના શેડ્યૂલ-4ના નિયમોનું ઉલ્લંઘન, અસ્વચ્છતા તેમજ એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી મળી આવી હતી.
તંત્રની ટીમે સ્થળ પરથી વાસી અને અયોગ્ય ખાદ્ય સામગ્રી જપ્ત કરી તેનો નિકાલ કર્યો હતો.
જ્યારે પનીર સહિત વિવિધ ખાદ્ય ચીજોના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એક હોટલમાં અત્યંત ગંભીર ક્ષતિઓ અને નિયમોનું ઉલ્લંઘન મળી આવતા હોટલને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી હતી. અન્ય ક્ષતિયુક્ત એકમોને પણ નિયત માપદંડો પૂર્ણ ન થાય ત્યાં સુધી ધંધો બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
તહેવારોને પગલે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે. ખાસ કરીને રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને મીઠાઈ, ડેરી પ્રોડક્ટ્સ અને ફાસ્ટફૂડ સેન્ટરો પર સઘન ચેકિંગ હાથ ધરાશે. ભરૂચ શહેર ઉપરાંત અંકલેશ્વર સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંબંધિત પ્રાંત અધિકારીઓના નેતૃત્વ હેઠળ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને ચોમાસા દરમિયાન ખાસ સાવચેતી રાખવા સૂચના આપી છે. ડીપ ફ્રીઝ અને કોલ્ડ સ્ટોરેજની યોગ્ય જાળવણી, શાકાહારી-માંસાહારી ખાદ્ય પદાર્થો માટે યોગ્ય બોર્ડ, ગુણવત્તાયુક્ત કાચા માલનો ઉપયોગ તેમજ કર્મચારીઓની સ્વચ્છતા અને હાઇજીનની યોગ્ય તાલીમ સુનિશ્ચિત કરવા જણાવાયું છે. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.






