ભરૂચમાં જર્જરિત એપાર્ટમેન્ટનો ગેલેરીનો ભાગ ધરાશાયી: એક વ્યક્તિને ઈજા, નીચેના અન્ય મકાનોમાં પણ નુકસાન, પાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યાં


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના મોટા ડભોયાવાડ વિસ્તારમાં આવેલા સઈદ મહેદેવીયા એપાર્ટમેન્ટની ગેલેરીનો એક ભાગ શનિવારે સવારે અંદાજે 11 વાગ્યે ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી અને એપાર્ટમેન્ટના કેટલાક મકાનોને નુકસાન થયું હતું.
એપાર્ટમેન્ટમાં આશરે 40 જેટલા મકાનો આવેલા છે. ગેલેરીનો ભાગ તૂટી પડતાં તેની નીચેના કેટલાક મકાનોને અસર થઈ હતી. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનો આ ભાગ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે એપાર્ટમેન્ટના અન્ય રહેવાસીઓને પણ બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
નગરપાલિકા દ્વારા બિલ્ડિંગની સ્થિરતા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને આગળની જરૂરી કાર્યવાહી કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.




