વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા: ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી ભરૂચ પોલીસ પહોંચાડશે
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા પોલીસે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાય તો તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે પોલીસની મદદ મળશે. જિલ્લા ટ્રાફિક શાખાએ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઈન્ચાર્જની આગેવાનીમાં ખાસ ટીમો બનાવી છે. વિદ્યાર્થીઓ ટ્રાફિક સમસ્યામાં ફસાય તો હેલ્પલાઈન નંબર ૦૨૬૪૨-૨૨૩૦૮૪ અથવા ૦૨૬૪૨-૨૨૩૩૦૩ પર કોલ કરી શકે છે. નજીકની ટીમ ઓન ડ્યુટી એક્ઝામ વ્હીકલ દ્વારા વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે.
ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ પણ વિદ્યાર્થીઓને મદદ કરશે. વધુમાં, બોર્ડની પરીક્ષા અંગે કોઈ મૂંઝવણ હોય તો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ માટે જિલ્લા કક્ષાએ અલગ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન (૦૨૬૪૨-૨૪૦૪૨૪) સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ સેવા પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ઉપલબ્ધ રહેશે.