ભરૂચ જિલ્લા કોર્ટમાં ખાનગી વકીલના લાંચ લેવાની ઘટનામાં જજને પણ કરાયા નિલંબિત
ભરૂચ જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપાઇ ગયો હતો,આ ઘટનામાં ભ્રષ્ટાચારના આરોપસર કોર્ટના જજ એમ.બી.ધાસુરાને પણ નિલંબિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ કોર્ટમાં વકીલનો લાંચ લેવાનો મામલો
કોર્ટના જજ પર ભ્રષ્ટાચારની ચીંધાય હતી આંગળી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાઇ કડક કાર્યવાહી
ભ્રષ્ટાચારના આરોપમાં હાઇકોર્ટે જ્જને કર્યા નિલંબિત
તાત્કાલિક અસરથી જજની વેરાવળ ખાતે કરાઈ બદલી
ભરૂચ જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપાઇ ગયો હતો,આ ઘટનામાં ભ્રષ્ટાચારના આરોપસર કોર્ટના જજ એમ.બી.ધાસુરાને પણ નિલંબિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચના એક વ્યક્તિ વિરુદ્ધ ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2022માં ગુનો નોંધાયો હતો, અને તેમના વિરુદ્ધમાં ચાર્જશીટ થઈ ગઈ હતી. આ અંગેનો કેસ ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે.
ત્યારે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા ખાનગી વકીલ સલીમ મન્સૂરીએ ફરિયાદી પાસે તેની તરફેણમાં ચુકાદો અપાવવા માટે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદીએ લાંચ-રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો,આ ગુનામાં આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા,અને વકીલના જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી.
આ કેસની તપાસમાં ભ્રષ્ટાચારના મામલે વિવાદમાં રહેલા જજ એમ.બી.ધાસુરાને આખરે હાઇકોર્ટે નિલંબિત કરીને વેરાવળ ખાતે બદલી કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે ન્યાયાલય પંથકમાં ખળભળાટ મચી ગયો છે.