દહેજમાં હથિયાર સાથે બિહારનો શખ્સ ઝડપાયો:સુવા ચોકડી પાસેથી દેશી તમંચો અને બે કારતૂસ સાથે પકડાયો, હથિયાર રાખવાનો શોખ હોવાનું કબૂલ્યું
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં પોલીસે એક શખ્સને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. આરોપી બિહારનો વતની છે અને તેની પાસેથી એક દેશી તમંચો અને બે જીવતા કારતૂસ મળી આવ્યા છે. દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ઝાલાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સેતાનસિંહને બાતમી મળી હતી કે સુવા ચોકડી નજીક એક શખ્સ હથિયાર સાથે ફરી રહ્યો છે.
પોલીસે બાતમીના આધારે ઇન્દ્રજીત સુખારી ચૌધરીને પકડી પાડ્યો હતો. તેની પાસેથી રૂ.10 હજારની કિંમતનો દેશી તમંચો અને રૂ.200ની કિંમતના બે કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેને હથિયાર રાખવાનો શોખ છે અને આ હથિયાર તે બિહારથી લાવ્યો હતો. ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા વિશેષ ડ્રાइવ ચાલી રહી છે. પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ અને જી.પી.એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.