બાળકોના હિતમાં બીએલઓ કામમાંથી મુક્તિ આપો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પરોએ બૂથ લેવલ ઓફિસરની કામગીરીમાંથી મુક્તિની માંગ કરી છે. યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના બેનર હેઠળ નીરૂબેન આહિરના નેતૃત્વમાં કર્મચારીઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આંગણવાડી કર્મચારીઓ 0થી 6 વર્ષના બાળકોના કુપોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની જવાબદારી નિભાવે છે. તેમના પર ICDSની કામગીરીનો બોજ પણ છે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન મતદાન મથકે ફરજ બજાવવી પડે છે. યુનિયને રજૂઆત કરી છે કે બીએલઓની કામગીરી એવા સરકારી કર્મચારીઓને સોંપવામાં આવે જેમની પાસે પૂરતો સમય હોય. અથવા આ કામગીરી શિક્ષિત બેરોજગારોને આપવામાં આવે. આંગણવાડી કર્મચારીઓને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે જેથી તેઓ બાળકોના હિતમાં તેમની મુખ્ય ફરજો યોગ્ય રીતે નિભાવી શકે. આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ હાજરી આપી હતી.



