સમીર પટેલ, ભરૂચ
જંબુસર તાલુકામાં એક ગામમાં 20 વર્ષીય દિવ્યાંગ યુવતી સાથે ગામના જ બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં પોલીસે તાત્કાલીક એક્શન લઈને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
રાત્રે યુવતી પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે ગામના જ બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. બંને આરોપીઓએ યુવતીના ઘરમાં પ્રવેશ કરી તેનું મોં દબાવી દુષ્કર્મ આચર્યું હતું. જોકે, યુવતીની ભાભી અવાજ સાંભળી જાગી જતાં બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા.
જંબુસર પોલીસ મથકના PI એ.વી. પાણમિયાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. યુવતીનું મેડિકલ કરાવ્યાં બાદ વિવિધ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી નડિયાદની સીમમાંથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ગંભીર ગુનામાં વધુ તપાસ ચાલુ છે.