બ્રિટાનિયા કંપનીના કામદારો પગાર વધારા સહિતની માંગને લઈ હડતાલ પર ઉતારવાના મામલામાં કલેકટર સાથે મુલાકાત કરી રજૂઆત કરી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બિસ્કીટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના કામદારો પગાર વધારા સહિતની માંગને લઈને છેલ્લા નવ દિવસથી હડતાલ પર ઉતર્યા છે.ત્યારે આજ રોજ કલેક્ટર સાથે કંપની મેનેજમેન્ટ અને રાજકીય અને કામદાર આગેવાનો સાથે રજૂઆતો કરવા પહોંચ્યા હતા.
ભરૂચના ઝઘડિયા ઐદ્યોગિક વસાહતમાં આવેલા બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના 311 કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ છેલ્લા 9 દિવસથી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે કામદારોની વાહરે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા, શેરખાન પઠાણ સહિતના આગેવાનો આવ્યા હતા.જેઓએ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી અને મંગળવાર સુધીમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી કંપની દ્વારા આપવામાં આવી હતી.જોકે મંગળવાર બાદ પણ કામદારોના પ્રશ્નનું નિરાકરણ ન આવતા આજરોજ આગેવાનો દ્વારા ભરૂચ કલેકટર કચેરી ખાતે મેનેજમેન્ટ અને રાજકીય અને કામદાર આગેવાનો સાથે રજૂઆતો કરવા પહોંચ્યા હતા.જેમાં જણાવવામાં આવ્યું હતું કે કામદારોની પગાર વધારા સહિતની જે માંગ છે તે સંતોષવામાં આવે અને જો માંગ ન સંતોષાય તો કંપનીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.