
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત આવતીકાલે ૨૦ જુલાઈના દસ્તાવેજ ચકાસણી બાબતે કચ્છના ઉમેદવારો અસમંજસમાં: સત્તાવાર જાહેરાત અને સંકલનના અભાવે ભ્રષ્ટાચારની ગંધ અને વહીવટી તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ
ભુજ (કચ્છ), તારીખ:૧૯ જુલાઈ, ૨૦૨૬:
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પૂરવા માટે વચગાળાની રાહત સ્વરૂપે ૧૧ માસના તદ્દન હંગામી ધોરણે ‘જ્ઞાન સહાયક યોજના’ અંતર્ગત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર શિડ્યુલ અને કેન્દ્રોની યાદી મુજબ આવતીકાલે તારીખ ૨૦ જુલાઈ (સોમવાર) ના રોજ પ્રથમ જિલ્લા પસંદગીના ઉમેદવારોએ પોતાના અસલ દસ્તાવેજોની ચકાસણી (ડૉક્યુમેન્ટ વેરિફિકેશન) અને સ્થળ પસંદગી માટે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ સ્થિત ઐતિહાસિક ‘ઓલફ્રેડ હાઇસ્કૂલ’ ખાતે રિપોર્ટિંગ કરવાનું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે આવતીકાલે યોજાનારી આ પ્રક્રિયા અંગે ઉમેદવારોમાં ભારે અસમંજસ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં વિસ્તારની રીતે સૌથી મોટો જિલ્લો છે. અંતરિયાળ અને સરહદી ગામડાઓમાંથી મુખ્ય મથક ભુજ પહોંચવા માટે ઉમેદવારોએ ૧૦૦ થી ૧૫૦ કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. હવે જ્યારે આ પ્રક્રિયા આડે ૧૨ કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે દૂર-સુદૂરના ગામડાઓમાં રહેતા ભાવી શિક્ષકો અને તેમાંય ખાસ કરીને મહિલા ઉમેદવારો ભારે ચિંતામાં મુકાયા છે. ભુજ સમયસર પહોંચવા માટે આ બહેનોએ વહેલી સવારે ૫ વાગ્યે એસ.ટી. બસ પકડવી પડે તેમ છે પરંતુ તંત્ર તરફથી કોઈ સત્તાવાર મેસેજ કે માહિતી ન હોવાથી વહેલી સવારે નીકળવું કે નહીં તે અંગે પરિવારજનો પણ મુંઝવણમાં મુકાયા છે.
સ્થાનિક જાગૃત ઉમેદવારો દ્વારા સ્થળ પર જઈને તપાસ કરવામાં આવતા માલૂમ પડ્યું છે કે આવતીકાલે ૨૦ જુલાઈના રોજ ઓલફ્રેડ હાઇસ્કૂલમાં આવી કોઈ જ વેરિફિકેશન કે ભરતી પ્રક્રિયા થવાની સત્તાવાર તૈયારીઓ કે જાણકારી સ્થાનિક સ્તરે ઉપલબ્ધ નથી. આજે ૧૯ તારીખે રવિવારની જાહેર રજા હોવાના કારણે તમામ સરકારી કચેરીઓ અને શાળાઓ બંધ હોવાના લીધે ઉમેદવારો શિક્ષણ વિભાગના કોઈ સત્તાવાર અધિકારીનો સંપર્ક પણ કરી શકતા નથી. સૌથી ગંભીર બાબત એ છે કે ભરતી પ્રક્રિયા કરનાર શિક્ષણ તંત્ર પાસે મેરિટ લિસ્ટમાં સ્થાન પામેલા તમામ ઉમેદવારોના મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી ઉપલબ્ધ હોવા છતાં હજુ સુધી ઉમેદવારોને કોઈ પણ પ્રકારનો સત્તાવાર મેસેજ, ઈ-મેલ કે સૂચના આપવામાં આવી નથી.
નોંધનીય છે કે આ વખતની ભરતીમાં અરજી વખતે ઉમેદવારોએ માત્ર એક જ જિલ્લો પસંદ કરવાનો હોવાથી કચ્છની શાળાઓની ખાલી જગ્યાઓ માટે મોટેભાગે સ્થાનિક કચ્છી ઉમેદવારોએ જ પસંદગી ઉતારી છે. આવા સંજોગોમાં ખાલી જગ્યાઓનું લિસ્ટ અગાઉથી જાહેર ન કરવું, સ્થળ-સમયની સત્તાવાર સ્પષ્ટતા ન કરવી વગેરે બાબતોથી ઉમેદવારોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે શંકા અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. જો શાળાઓની ખાલી જગ્યાઓનું લિસ્ટ સમયસર જાહેર થાય તો જ ઉમેદવારો યોગ્ય અભ્યાસ કરીને શાળા પસંદ કરી શકે જેથી છેવાડાના કચ્છી વિદ્યાર્થીઓને સારા શિક્ષકો મળે અને તેઓ અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે તંદુરસ્ત સ્પર્ધા કરી શકે. પરંતુ બહારના અધિકારીઓની ઉદાસીનતા અને સ્થાનિક શિક્ષણ તંત્રની ‘શતરંજની ચાલ’ ના કારણે કચ્છના ભાવી શિક્ષકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે.
છેલ્લા છ વર્ષથી કચ્છ જિલ્લાના માધ્યમિક શિક્ષણ અધિકારી તરીકે સંજય પરમાર જવાબદારી સંભાળી રહ્યા છે. આને એક યોગાનુંયોગ કહો કે કચ્છની કઠણાઈ, પરંતુ પૌરાણિક કથા મહાભારતના પાત્ર ‘સંજય’ ની જેમ જ આ અધિકારી પણ પોતાના રાજા એટલે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વાસ્તવિક પરિસ્થિતિનો ખોટો અહેવાલ સંભળાવીને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. મહાભારતમાં જેમ ગાંધારીએ આંખે પાટા બાંધ્યા હતા તેમ કચ્છના અન્ય સ્થાનિક ચૂંટાયેલા શિક્ષિત પ્રતિનિધિઓ પણ અજ્ઞાનતાના પાટા બાંધીને બેસી રહ્યા છે જેના કારણે વહીવટી તંત્ર પોતાની મનચ્છા પૂરી કરવામાં સફળ થઈ રહ્યું છે. આજના આધુનિક ડિજિટલ યુગમાં સોફ્ટવેરની મદદથી ખાલી જગ્યાઓની વિગતો આંગળીના વેઢે મેળવી શકાય તેમ હોવા છતાં તે કેમ છુપાવવામાં આવી રહી છે તે એક મોટો પ્રશ્ન છે.
જ્યારે અનિતી સામે નીતિની લડાઈ હોય ત્યારે મહાભારતમાં પાંડવોની વહારે યદુવંશી ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હતા. આજે કચ્છના અન્યાયનો ભોગ બનેલા ઉમેદવારો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (બંનેના નામમાં ‘ઇન્દ્ર’ એટલે કે ભગવાનનું તત્વ સમાયેલું છે) તરફ મીટ માંડીને બેઠા છે કે તેઓ આ બાબતે તાત્કાલિક મધ્યસ્થી કરે અને વહીવટી તંત્રની સરમુખત્યારશાહી સામે ન્યાય અપાવે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો સુપ્રસિદ્ધ શ્લોક આ તકે દરેક અન્યાયની સામે લડવાની પ્રેરણા આપે છે:
“પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।”
“ધર્મસંસ્થાર્પનાય સંભવામિ યુગે યુગે ॥”


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



